Gujarat

સેવા, આદર અને આત્મનિર્ભરતાનો ઉત્સવ એટલે રાષ્ટ્રીય વયોશ્રી યોજના કેમ્પ

ભારત સરકારનાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આયોજિત રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત તેમજ ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ ના સહયોગથી કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાના ઉપસ્થિતિમાં 613 લાભાર્થીઓને રૂપિયા 55 લાખથી વધુના નિઃશુલ્ક સાધન સહાય વિતરણનો કેમ્પ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મોરચંદ ખાતે યોજાયો હતો.

કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત સરકારે વૃદ્ધજનો અને દિવ્યાંગજનોને આત્મનિર્ભર અને સ્વાભિમાનપૂર્ણ જીવન જીવવા માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે દેશના છેવાડાના માનવી સુધી સરકારની વિભિન્ન જન કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચે તે માટે સરકાર સતત કાર્યરત છે નિઃશુલ્ક સહાયક સાધનોના વિતરણ એ સરકારની સંવેદનશીલ વિચારસરણીનું ઉત્તમ ઉદાહરણ છે, જે અંતર્ગત આજ રોજ ઘોઘા તાલુકાના 613 લાભાર્થીઓને રૂપિયા 55 લાખથી વધુના 3481 જેટલા નિઃશુલ્ક સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, આ યોજના અંતર્ગત લાભાર્થીઓની પસંદગી કરવા માટે 30 જૂન 2025 થી 16 જુલાઈ 2025 સુધી શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાવનગર જિલ્લામાં રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત કુલ 8091 વયોવૃદ્ધ લાભાર્થીઓની નિઃશુલ્ક સાધન સહાય માટે પસંદગી કરવામાં આવી છે લગભગ 7.66 કરોડ રૂપિયાના સહાયક ઉપકરણને સ્વીકૃતિ આપવામાં આવી છે.

મંત્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ ઘોઘા તાલુકામાં સહાય વિતરણ સંપન્ન કર્યા બાદ આગામી દિવસોમાં જિલ્લાના અન્ય બાકી રહેલા તાલુકાઓમાં પણ તબક્કાવાર શિબિરોનું આયોજન કરી વિતરણ કરવામાં આવશે. સેવા, આદર અને આત્મનિર્ભરતાનો ઉત્સવ એટલે રાષ્ટ્રીય વયોશ્રી યોજના કેમ્પ એવું કહેતાં મંત્રીએ જણાવ્યું કે આ યોજના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એ સંકલ્પને સાકર કરતું પ્રભાવશાળી ઉદાહરણ છે

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય વયોશ્રી યોજના સંવેદનશીલ વિચારસરણીનું એક સશક્ત ઉદાહરણ છે દેશભરમાં અત્યાર સુધીમાં આ યોજના હેઠળ 9.23 લાખથી વધુ વરિષ્ઠ નાગરિકોને 49 લાખથી વધુ સહાયક ઉપકરણો પૂરા પાડવામાં આવ્યા છે આ માત્ર આંકડા નથી, પરંતુ દરેક આંકડા પાછળ એક પરિવારની ખુશી અને નવી આશા જોડાયેલી છે જ્યારે કોઈ વડીલને ચશ્મા મળે છે ત્યારે તેમને પોતાના પરિવારજનોના ચહેરા સ્પષ્ટ જોવાની શક્તિ મળે છે, જ્યારે કોઈ પિતાને સાંભળવાનું યંત્ર મળે છે ત્યારે તેમના માટે પૌત્ર-પૌત્રીઓના અવાજ અને હાસ્ય ફરી સંભળાય છે અને જ્યારે કોઈ વૃદ્ધ વ્યક્તિને વોકર, વ્હીલચેર કે ઘોડી મળે છે ત્યારે તેમનો આત્મવિશ્વાસ, સ્વાભિમાન અને ગૌરવપૂર્ણ જીવન જીવવાની શક્તિ પુનઃસ્થાપિત થાય છે. રાષ્ટ્રીય વયોશ્રી યોજના માત્ર સહાયક સાધનોનું વિતરણ નથી, પરંતુ આપણા વડીલોના જીવનને વધુ સરળ, સન્માનપૂર્ણ અને આત્મનિર્ભર બનાવવાનો સંવેદનશીલ પ્રયાસ છે.