Gujarat

પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને અલગ કરવાની નીતિથી ઊભી થશે અસમાનતા

રાજ્યમાં CET પરીક્ષાના આધારે ધોરણ 6થી 12 સુધીના વિદ્યાર્થીઓને ખાનગી જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલોમાં પ્રવેશ આપવાની નીતિ સામે હવે વિરોધના સ્વર ઊઠવા લાગ્યા છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાતે શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાને પત્ર લખીને આ સમગ્ર નીતિની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરવાની માંગ કરી છે.

‘સરકારી શાળાને મજબૂત કરવાના પ્રયાસો થવા જોઈએ’ મહાસંઘે પોતાના પત્રમાં જણાવ્યું છે કે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સરકારી શાળાઓમાંથી અલગ કરીને ખાનગી સંચાલિત નિવાસી શાળાઓમાં મોકલવાથી સરકારી શાળાઓની ગુણવત્તા, શૈક્ષણિક વાતાવરણ અને વિદ્યાર્થીઓની સંખ્યા પર નકારાત્મક અસર પડી શકે છે. સંગઠનના મતે સરકાર દ્વારા સરકારી શાળાઓને જ વધુ મજબૂત બનાવવાના પ્રયાસો થવા જોઈએ.

‘પરીક્ષાના ગુણથી વિદ્યાર્થીઓની ક્ષમતા નક્કી કરવી યોગ્ય નહીં’ પત્રમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલોમાં વિદ્યાર્થીઓ પાછળ સરકાર દ્વારા સરકારી શાળાઓની સરખામણીએ અનેકગણો ખર્ચ કરવામાં આવે છે. ધોરણ 6થી 8 માટે ખાનગી સંસ્થાઓને પ્રતિ વિદ્યાર્થી રૂ. 20 હજાર, ધોરણ 9-10 માટે ₹ 22 હજાર અને ધોરણ 11-12 માટે ₹ 25 હજાર સુધીની સહાય આપવામાં આવે છે, જ્યારે સરકારી શાળાઓમાં પ્રતિ વિદ્યાર્થી ખર્ચ તેની તુલનામાં ઘણો ઓછો છે.

મહાસંઘે CET પરીક્ષાના આધારે “પ્રતિભાશાળી વિદ્યાર્થી”ની વ્યાખ્યા અને માપદંડોને પણ પ્રશ્નાંકિત કર્યા છે. સંગઠનનું માનવું છે કે માત્ર એક પરીક્ષાના ગુણોના આધારે વિદ્યાર્થીઓની ક્ષમતા નક્કી કરવી યોગ્ય નથી અને તે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના સમાનતા અને સમાવેશના સિદ્ધાંતોને પણ અસર કરી શકે છે.