Gujarat

ઉનાના કંસારીમાં બોગસ ડોક્ટર ઝડપાયો

ગીર સોમનાથમાં બોગસ ડોક્ટર ઝડપાયો છે. ઉના તાલુકાના કંસારી ગામેથી ભીચા (ભાચા) તરફ જતા રસ્તા પર આવેલી બાપા સીતારામ બેકરીમાં બોગસ ક્લિનિક ઝડપાતા ચકચાર મચી ગઈ છે. તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. વિપુલ દુમાતર અને જિલ્લા SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ની સંયુક્ત ટીમે દરોડો પાડીને ભાવેશ સોલંકી નામના બોગસ તબીબને રંગેહાથ ઝડપી લીધો છે.₹2,45,439ની એલોપેથીક દવાઓ તથા મેડિકલ પ્રેક્ટિસને લગતા સાધનો ₹42,250 મળી કુલ ₹2,87,689નો મુદ્દામાલ કબ્જે કરાયો છે

બેકરીની પાછળ ચાલતું હતું મળતી માહિતી મુજબ, કંસારી ગામે આવેલા ‘બાપા સીતારામ બેકરી’ નામના એક સ્ટોરમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હતી. બહારથી સામાન્ય દેખાતી આ બેકરીના અંદરના ભાગમાં તપાસ કરતા અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. બેકરીના પાછળના ગુપ્ત ભાગમાં આ બોગસ તબીબ દર્દીઓની તપાસ કરતો મળી આવ્યો હતો.

ડિગ્રી વિના હાઈડોઝ અને સ્ટીરોઈડ દવાઓ આપતો વધુ તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે આ કથિત તબીબ પાસે તબીબી પ્રેક્ટિસ માટેની કોઈ માન્ય ડિગ્રી કે ગુજરાત મેડિકલ કાઉન્સિલનું કોઈ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ નહોતું. આમ છતાં, તે ઓર્થોપેડિક અને ફિઝિયોથેરાપીના આધુનિક સાધનોનો ઉપયોગ કરતો હતો. આ બોગસ ડૉક્ટર પાસે આજુબાજુના ગામો, શહેરો તેમજ અન્ય જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર અર્થે આવતા હતા.