ધંધુકા મામલતદાર કચેરી ખાતે આગામી ચોમાસાની પૂર્વતૈયારીઓની સમીક્ષા માટે એક મહત્વપૂર્ણ પ્રિ-મોન્સૂન બેઠક યોજાઈ હતી. સ્થાનિક ધારાસભ્ય કાળુભાઈ ડાભીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં ચોમાસા દરમિયાન સંભવિત પરિસ્થિતિઓ અને આપત્તિ વ્યવસ્થાપન અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ સુરજિતસિંહ ગોહિલ, તાલુકા પંચાયત પ્રમુખ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વહીવટી તંત્ર તરફથી તાલુકા મામલતદાર વી. સી. ડાભી અને વિવિધ સરકારી વિભાગોના ઉચ્ચ અધિકારીઓ હાજર રહી ચોમાસા પૂર્વેની તૈયારીઓનો અહેવાલ રજૂ કર્યો હતો. બેઠક દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા, આપાતકાલીન સ્થિતિમાં નાગરિકોના સ્થળાંતર માટેના આશ્રયસ્થાનો, ભારે વરસાદમાં વીજ પુરવઠો અને આરોગ્ય સેવાઓ જાળવી રાખવા જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખે તમામ વિભાગોને સંકલન સાધીને કામ કરવા અને કંટ્રોલ રૂમને ચોવીસ કલાક કાર્યરત રાખવા સૂચના આપી હતી. તાલુકા મામલતદાર વી. સી. ડાભીએ જણાવ્યું હતું કે ધંધુકા તાલુકાનું વહીવટી તંત્ર ચોમાસા દરમિયાન કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે સજ્જ અને એલર્ટ છે.

