વડોદરા શહેરના સૂર્યનગર-તરસાલી બાયપાસથી ધન્યાવી તરફ જવાના માર્ગ પર આવેલા એક રિપેરિંગ કારખાનામાં ઊભેલી લક્ઝરી બસના ઓટોમેટિક દરવાજામાં માથું ફસાઈ જવાથી 7 વર્ષીય માસૂમ બાળકનું કરૂણ મોત નીપજતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ચકચારી કેસમાં કપુરાઈ પોલીસે ગુનો નોંધી ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. ઘટના સમયના મહત્વપૂર્ણ 15 મિનિટના CCTV ફૂટેજ ગાયબ થઈ જતાં રહસ્ય વધુ ઘેરાયું છે, જેને પગલે FSLની ટીમે સ્થળ પર પહોંચીને ઓટોમેટિક દરવાજાની મિકેનિઝમ અને ટેકનિકલ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
બાળકે દરવાજો ખોલતા જ અચાનક બંધ થઈ ગયો હોવાનો પ્રાથમિક ખુલાસો FSLની ટીમે લક્ઝરી બસના ઓટોમેટિક ડોર સિસ્ટમની ચકાસણી કરી હતી. પ્રાથમિક તપાસમાં એવી વિગત સામે આવી છે કે, બાળકે કુતૂહલવશ દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સેન્સર કે પ્રેશર ખામીના કારણે દરવાજો અચાનક જોરદાર ધડાકા સાથે બંધ થઈ ગયો હતો અને બાળકનું માથું વચ્ચે ફસાઈ જતાં શ્વાસ રૂંધાવાથી મોત નીપજ્યું હતું.
મહત્વના સમયના જ 15 મિનિટના ફૂટેજ ગાયબ આ સમગ્ર દુર્ઘટનામાં સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે જે સમયે આ ઘટના બની તે સમયગાળાના જ 15 મિનિટના CCTV ફૂટેજ સિસ્ટમમાંથી ગાયબ છે. આ ગંભીર બાબત સામે આવતાં પોલીસે CCTV સિસ્ટમનું DVR જપ્ત કરીને FSL લેબોરેટરીમાં મોકલી આપ્યું છે. ડિલીટ થયેલા ફૂટેજને ટેકનિકલ એક્સપર્ટ્સની મદદથી રિકવર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેથી બાળક ત્યાં કેવી રીતે પહોંચ્યો અને દરવાજો કેવી રીતે ઓપરેટ થયો તેની સાચી હકીકત સામે આવી શકે.

