વડોદરા શહેર જિલ્લામાં આજે બે આગના બનાવો સામે આવ્યા છે. વડોદરાના છાણી જકાતનાકા પાસે દૂધ વેચવા આવેલ માલધારીની કાર અચાનક સળગી ઉઠી હતી. જ્યારે જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા ગામ પાસે સાંકરદા રોડ પર પસાર થઈ રહેલા એક ટ્રકમાં અચાનક આગ લાગી જતા અફરાતફરી મચી ગઈ હતી. રોડ પર આ આગ લાગતા ભારે ટ્રાફિકજામ થઈ ગયો હતો. સદનસીબે આ બંને આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
દૂધ વેચવા આવેલા માલધારીની કારમાં આગ વડોદરા શહેરમાં વહેલી સવારે નિયમિત રીતે દૂધનો વેપાર કરતા વેપારીની કારમા અચાનક આગનો બનાવ સામે આવ્યો હતો. આ વેપારી શહેર નજીક આવેલા ભાદરવાથી વડોદરા વેદા ટુ માં દૂધ આપવા છઠ્ઠા મળે ગયા હતા અને નીચે આવીને જોતા કારમાં આગ લાગેલી નજરે પડતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા ટીપી 13 ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં દૂધ વેચવા આવેલા જગદીશભાઈ રબારીનો આબાદ બચાવ થયો છે.
ગોઠડા પાસે ટ્રકમાં આગ ફાટી નીકળી બીજો બનાવ જિલ્લાના સાવલીના ગોઠડા પાસે ટ્રકમાં અચાનક આગનો બનાવ સામે આવ્યો હતો. ટ્રકના ડ્રાઇવર દ્વારા સમયસર ટ્રકમાંથી બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આ કાર્યવાહીમાં સાવલી પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ટ્રાફિક વ્યવસ્થા સુવેવસ્થિત કરાવી હતી. આ આગના બનાવને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.

