Gujarat

મહેસાણા ૧૦૮ની ટીમે દાખવી પ્રમાણિકતા:

અકસ્માતગ્રસ્ત દર્દીના રોકડા ૧૧,૫૦૦ અને મોબાઈલ પરિવારને પરત કર્યા

કટોકટીની પળોમાં દેવદૂત બનીને આવતી ૧૦૮ ઇમરજન્સી સેવાની ટીમે મહેસાણાના પાલવાસણા વિસ્તારમાં ફરજ દરમિયાન માનવતા અને પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જગુદણ ચોકડી પાસે થયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા દર્દીની કિંમતી ચીજવસ્તુઓ અને રોકડ રકમ સુરક્ષિત રીતે તેમના પરિવારને સોંપી ૧૦૮ના કર્મીઓએ ફરજ પ્રત્યેની નિષ્ઠાના દર્શન કરાવ્યા છે.

અકસ્માત સમયે દર્દી અર્ધબેભાન અવસ્થામાં હતા

ગઈકાલે જાગુદણ ચોકડી પાસે એક ટુ-વ્હીલર અકસ્માત સર્જાયો હતો. આ અંગેની જાણ થતા જ પાલવાસણા લોકેશન પર તૈનાત ૧૦૮ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઈસ્ કાજલ પરમાર અને પાયલોટ દિલીપ રાવલે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા દર્દીને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી હતી. અકસ્માત સમયે દર્દી અર્ધબેભાન અવસ્થામાં હતા અને સ્થળ પર એકલા હતા.

પરિવારજનોએ ૧૦૮ની ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો

સારવાર દરમિયાન ૧૦૮ની ટીમને દર્દી પાસેથી એક વોલેટ,૧૧,૫૦૦ રૂપિયા રોકડા તેમજ એક વીવો કંપનીનો સ્માર્ટફોન મળી આવ્યો હતો. ૧૦૮ની ટીમે આ તમામ કિંમતી સામાન અને રોકડ રકમની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી. ત્યારબાદ દર્દીના સંબંધીઓનો સંપર્ક સાધીને તેમને રૂબરૂ બોલાવી તમામ વસ્તુઓ હેમખેમ પરત સોંપી હતી. હાલમાં દર્દીને વધુ સારવાર માટે લાયન્સ જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તની જિંદગી બચાવવાની સાથે તેમની મિલકત પણ સુરક્ષિત રાખવા બદલ સ્થાનિક લોકો અને પરિવારજનોએ ૧૦૮ની ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.