‘૧૦ લાખ આપ નહીતર બળાત્કારના કેસમાં ફસાવી દઈશ‘અમદાવાદમાં પ્રેક્ટિસ કરતા એક હોમિયોપેથીક ડોક્ટરને હનીટ્રેપમાં ફસાવી તેમનું અપહરણ કરી ૧૦ લાખ રૂપિયાની ખંડણી માંગવાની સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે.આ સમગ્ર મામલે મહેસાણા તાલુકા પોલીસે સાત શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટનાની વિગતો મુજબ આરોપી આરતી ચૌહાણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક મેસેન્જર દ્વારા ફરિયાદી ડોક્ટર સાથે સંપર્ક વધાર્યો હતો. મિત્રતા કેળવ્યા બાદ ગત ૧૨ માર્ચ, ૨૦૨૬ના રોજ આરતીએ ડોક્ટરને મળવા માટે પાલનપુર બોલાવ્યા હતા. પાલનપુરની લિજેન્ડ હોટલમાં બંને વચ્ચે મુલાકાત થઈ હતી. જ્યાં આરતીએ ડોક્ટર સાથે વિશ્વાસ કેળવી ફોટા પણ પડાવ્યા હતા.ત્યારબાદ તેણે મહેસાણા જવાનું બહાનું કરી ડોક્ટરની ગાડીમાં સાથે નીકળી હતી.
પાલનપુરથી મહેસાણા તરફ આવતી વખતે મોટી દાઉના પાટિયા પાસે આરતીએ તબિયત લથડવાનું નાટક કરી ગાડી ઊભી રખાવી હતી. પૂર્વ આયોજિત કાવતરા મુજબ ગાડી ઉભી રહેતા જ તેના અન્ય છ સાગરીતો ત્યાં ધસી આવ્યા હતા. આ ટોળકીએ ડોક્ટર પર હુમલો કરી ગાડીની ચાવી ઝૂંટવી લીધી હતી અને તેમને પાછળની સીટ પર બેસાડી દીધા હતા.
આરોપીઓએ ડોક્ટરને ધમકી આપી હતી કે, જાે તેઓ ૧૦ લાખ રૂપિયા નહીં આપે તો તેમને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવામાં આવશે. આ દરમિયાન તેમનો ૫૦ હજારની કિંમતનો આઇફોન પણ છીનવી લેવામાં આવ્યો હતો.
આ ગુનાહિત પ્રવૃત્તિ દરમિયાન મહેસાણા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. હાઈ-વે પર શંકાસ્પદ હાલતમાં ઉભેલી ગાડી જાેઈને પોલીસે તપાસ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી. તાલુકા પી.આઈ. ડી.આર. રાઓના જણાવ્યા અનુસાર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ડોક્ટરને મુક્ત કરાવ્યા હતા અને આરોપીઓને ઝડપી લીધા હતા.
પોલીસે આ મામલે આરતી પ્રકાશસિંગ ચૌહાણ (રહે. પાલનપુર), મોહમદ ફૈઝલખાન પરમાર, સરીફ ઇદ્રીશભાઇ બેલીમ, સમીરખાન અસરફખાન મલેક, આફતાબખાન સલીમખાન અબ્બાસી, સોહિલકુમાર સલીમભાઇ કુરેશી અને સમીરખાન રફીકભાઇ સંધી સામે ગુનાહિત કાવતરું, અપહરણ, મારપીટ અને ખંડણીની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે.

