મહેસાણાની લાખવડ સ્કૂલના શિક્ષિકાએ સિંગલ યુઝ પ્લાસ્ટિકની ગંભીર અસરો અને બજારુ પડીકાના નાસ્તામાં વપરાતા હાનિકારક તત્વો વિશેની જાગૃતિને કારણે આજે સ્કૂલના ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ પ્લાસ્ટિકનો ત્યાગ કરી ચૂક્યા છે. હવે આ બાળકો પ્લાસ્ટિકના બદલે સ્ટીલના ડબ્બા વાપરે છે અને ઘરેથી પૌઆ કે થેપલા જેવો પૌષ્ટિક નાસ્તો લાવે છે.
વિદ્યાર્થીઓ સાથે પ્લાસ્ટિકના ૨૦ કોથળા ક્ચરો એકઠો કર્યો હતો
લાખવડ સ્કૂલના શિક્ષિકા સંગીતાબેન રાવલે જ્યારે શાળાના મેદાનમાં જ્યાં-ત્યાં પ્લાસ્ટિકની થેલીઓ, રેપર્સ અને બોટલોનો કચરો જાેયો ત્યારે તેમણે સ્કૂલ પ્લાસ્ટિક મુક્ત કરવાનો મક્કમ સંકલ્પ કર્યો. તેમણે ઇનોવેશન પ્રોજેક્ટ શરૂ કરીને સૌપ્રથમ સ્કૂલના સંકુલમાંથી વિદ્યાર્થીઓ સાથે પ્લાસ્ટિકના ૨૦ કોથળા ક્ચરો એકઠો કર્યો હતો.
વાલી મિટિંગમાં પણ વાલીઓને સમજાવીને બાળકોને ઘરેલુ નાસ્તો આપવા વિનંતી કરી
માત્ર સફાઈ જ કરાવી નહીં પણ બાળકોની જીવનશૈલી બદલવા માટે તેમણે વિદ્યાર્થીઓને રેડીમેડ પડીકાના નાસ્તાથી થતાં નુક્સાન અને સિંગલ યુઝ પ્લાસ્ટિકની ગંભીર અસરો વિશે રોચક નાટક, અભિનય દ્વારા સમજણ આપી. પડીકા પર અંગ્રેજીમાં લખેલી વિગતોનુંગુજરાતીમાં અનુવાદ કરીને તેમાં વપરાતા હાનિકારક પામ ઓઈલ અને મસાલાઓ વિશે બાળકોને જાગૃત કર્યા. વાલી મિટિંગમાં પણ વાલીઓને સમજાવીને બાળકોને ઘરેલુ પૌષ્ટિક નાસ્તો આપવા વિનંતી કરી હતી.
૫૦૦ વિદ્યાર્થીઓ હવે બજારના પડીકા છોડીને ઘરેથી પૌઆ અને થેપલા લાવતા થયા
ત્રણ મહિનામાં સ્કૂલના ૫૦૦ વિદ્યાર્થીઓ હવે બજારના પડીકા છોડીને ઘરેથી પૌઆ અને થેપલા જેવો પૌષ્ટિક નાસ્તો લાવતા થયા છે. જે બાળકો પ્લાસ્ટિકના ડબ્બા કે બોટલ લાવતા હતા. તેમને પણ અટકાવીને સ્ટીલના ડબ્બાનો ઉપયોગ કરવા પ્રેરિત કર્યા. શાળામાં નર્મદાના શુદ્ધ પાણી અને સ્ટીલના ગ્લાસની વ્યવસ્થા હોવાથી હવે પ્લાસ્ટિકની બોટલોનું પ્રમાણ પણ નહિવત થઈ ગયું છે.
વિદ્યાર્થીઓ હવે તેમના જન્મદિવસે ચોકલેટ વહેંચીને રેપર્સનો કચરો કરવાને બદલે પેન્સિલ કે રબર જેવી ઉપયોગી વસ્તુઓ ભેટમાં આપે છે.આ પ્રયાસોના પરિણામે આજે આખી શાળામાં ક્યાંય પ્લાસ્ટિકનું કાગળિયું જાેવા મળતું નથી.

