Gujarat

બાલાચડી સૈનિક સ્કૂલમાં ઇન્ટર હાઉસ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ પૂર્ણ

જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે શૈક્ષણિક સત્ર 2026–27 માટેની ચાર દિવસીય ઇન્ટર હાઉસ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન કેડેટ્સે રમતગમતની શ્રેષ્ઠતા, શિસ્ત, ટીમવર્ક અને ખેલદિલીનું પ્રેરણાદાયી પ્રદર્શન કર્યું હતું. લીગ-કમ-નોકઆઉટ પદ્ધતિથી યોજાયેલી સ્પર્ધામાં શાળાના છ સિનિયર હાઉસોએ ભાગ લીધો હતો. પૂલ–’A’માં ગરુડ હાઉસ, શિવાજી હાઉસ અને સરદાર પટેલ હાઉસ, જ્યારે પૂલ–’B’માં પ્રતાપ હાઉસ, આંગ્રે હાઉસ અને ટાગોર હાઉસનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કાંટાની ટક્કર બાદ શિવાજી હાઉસ અને ટાગોર હાઉસ ફાઇનલમાં પહોંચ્યા હતા.

રોમાંચક ફાઇનલ મુકાબલામાં શિવાજી હાઉસે શાનદાર રમતનું પ્રદર્શન કરીને ચેમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો, જ્યારે ટાગોર હાઉસ ઉપવિજેતા રહ્યું હતું. વ્યક્તિગત એવોર્ડમાં ટાગોર હાઉસના કેડેટ યુવરાજને ‘બેસ્ટ બાસ્કેટબોલ પ્લેયર ઓફ ધ ચેમ્પિયનશિપ’ જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે આંગ્રે હાઉસના કેડેટ આરવ પટેલને ‘ઉભરતો શ્રેષ્ઠ ખેલાડી’નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

સમાપન સમારોહમાં ‘શૌર્ય ચક્ર’થી સન્માનિત કર્નલ ઈશ્વર સિંહ દહિયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ડૉ. ક્રિષ્ના દહિયા વિશિષ્ટ અતિથિ તરીકે હાજર રહ્યા હતા. મુખ્ય મહેમાને શિવાજી હાઉસને ચેમ્પિયનશિપ ટ્રોફી અર્પણ કરી હતી અને કેડેટ્સને સંબોધતાં જણાવ્યું હતું કે રમતગમત માત્ર જીત-હાર સુધી મર્યાદિત નથી, પરંતુ ટીમવર્ક, શિસ્ત, સમયનું સંચાલન, પરસ્પર વિશ્વાસ અને સતત અભ્યાસ જીવનમાં સફળતાની સાચી ચાવી છે. તેમણે કેડેટ્સને ક્યારેય હાર ન માનવાની ભાવના સાથે અવિરત મહેનત અને સંઘર્ષ દ્વારા જીવનમાં ઉચ્ચ શિખરો સર કરવાની પ્રેરણા આપી હતી.

આ સમગ્ર ચેમ્પિયનશિપનું સફળ આયોજન શંકરરાવ ગંધમ (પીજીટી – કેમિસ્ટ્રી)ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. મેચોના રેફરી તરીકે સીએચએમ મનવીર ભંડારી અને હવલદાર રાઠોડ અમૃતે નિષ્પક્ષ કામગીરી બજાવી હતી. સમાપન સમારોહમાં કાર્યકારી આચાર્ય કમાન્ડર હરિ રામ પુનિયા, વાઇસ પ્રિન્સિપાલ સ્ક્વોડ્રન લીડર રાકેશ તિવારી, શિક્ષકગણ, સ્ટાફ તથા કેડેટ્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન દર્શકોના ઉત્સાહ અને ખેલાડીઓની રમતિયાળ ભાવનાએ આ ચેમ્પિયનશિપને યાદગાર બનાવી હતી.