માંગરોળ તાલુકાના લીમોદરા ગામ પાસેથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠાની મુખ્ય નહેરમાં શનિવારે એક કરુણ ઘટના સામે આવી છે. પોતાના મિત્રો સાથે ન્હાવા પડેલો 21 વર્ષીય યુવક નહેરના ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ જતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનીય લોકો અને વહીવટી તંત્ર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, 21 વર્ષીય યુવક લલિત દીનદયાલ પાલ પોતાના ત્રણ મિત્રો સાથે લીમોદરા ખાતે નહેરમાં ન્હાવા માટે આવ્યો હતો. આ દરમિયાન તેના ત્રણેય મિત્રો બાજુમાં જ આવેલી નાની માઇનોર કેનાલના ઓછા પાણીમાં ન્હાઈ રહ્યા હતા.
જ્યારે લલિત પાલ નજીકમાંથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠાની ઊંડી અને વેગીલી મુખ્ય નહેરમાં ન્હાવા માટે કૂદ્યો હતો. નહેરમાં પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે તે પોતાની જાતને સંભાળી શક્યો ન હતો અને જોતજોતામાં પાણીના તેજ પ્રવાહમાં તણાવવા લાગ્યો હતો.

