ભાવનગરના ઘોઘારોડ પોલીસ મથકના સ્ટાફે 12 જૂનના રોજ પેટ્રોલિંગ દરમિયાન ખેડુતવાસ વિસ્તારમાં આવેલ બેન્ક કોલોનીમાં રેઇડ પાડી હતી. પોલીસે ત્યાં પાઉભાજીની લારી નીચે છુપાવી રાખેલો ₹67,500ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી સુમિત કાવાભાઈ વાઘેલા નામના શખ્સની ધરપકડ કરી છે. આ ગેરકાયદેસર વેચાણ અંગે પોલીસે દારૂ સપ્લાય કરનાર મોબાઈલ ધારક સહિત બે વ્યક્તિઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વિદેશી દારૂ વેચતો હતો ને ઝડપાયો ઘોઘારોડ પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, ખેડુતવાસ વિસ્તારની મચ્છી બજાર, બેંક કોલોની પ્લોટ નંબર 24માં રહેતો સુમીત વાઘેલા પોતાના કબજામાં વિદેશી દારૂ રાખીને તેનું વેચાણ કરી રહ્યો છે. આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર રેઇડ કરી સુમિતની અટકાયત કરી હતી.
પાઉભાજીની લારીમાંથી વિદેશી દારૂના 540 ચપટા જપ્ત પોલીસે જ્યારે તેના ઘરની બહાર ઉભેલી પાઉભાજીની લારીની સઘન તલાશી લીધી, ત્યારે તેના નીચેના ભાગમાં બનાવેલા ખાસ ખાનામાંથી વિદેશી દારૂના 180 એમએલના 540 નંગ ચપટા મળી આવ્યા હતા. પોલીસે ₹67,500ની કિંમતનો આ તમામ મુદામાલ કબજે લીધો હતો.

