પ્રભાસ પાટણ-તાલાળા રોડ પર ઉધાર આપેલા રૂપિયા પરત માંગવાની હિંમત એક યુવકને ભારે પડી હોવાનું સામે આવ્યું છે. ઉઘરાણીના મામલે જૂનો ખાર રાખી પાંચ શખ્સોએ યુવકને રસ્તા વચ્ચે રોકી હોકી, લાકડી અને લોખંડના પંચ વડે એવો બેરહેમ હુમલો કર્યો કે યુવક લોહીલુહાણ હાલતમાં બેભાન થઈ ગયો હતો. ગંભીર ઇજાઓ સાથે તેને વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેના હાથમાં ફ્રેક્ચર સહિત અનેક ઇજાઓ નોંધાઈ છે.
પોલીસ ફરિયાદ મુજબ પ્રભાસ પાટણના શબીરહુસેન સુલતાનભાઈ મલેકે લગભગ એક વર્ષ અગાઉ મિત્રતાના નાતે સલમાનશા સલીમશા શાહમદારને રૂ. 85 હજાર હાથ ઉછીના આપ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી તે પોતાની રકમ પરત માંગતો હોવાથી સલમાનશા તેની સામે રોષ રાખતો હતો અને વારંવાર ધાકધમકી આપતો હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.
ઈજાગ્રસ્ત યુવક ના સાળા ફઝમ પંજા એ જણાવ્યું હતું કે,ગત મધરાત્રિએ શબીરહુસેન પોતાના મિત્રો સાથે મોટરસાયકલ પર પ્રભાસ પાટણ તરફ જઈ રહ્યો હતો ત્યારે તાલાળા બ્રિજ નજીક સલમાનશા અને તેના સાગરીતો રસ્તા વચ્ચે ઉભા રહી ગયા હતા. આરોપીઓએ મોટરસાયકલ રોકાવી ચાવી કાઢી લીધી હતી. ત્યારબાદ શબીરહુસેનને કોલર પકડી નીચે ઉતારી “તને પૈસા આપવાના નથી, તું વારંવાર માંગણી કેમ કરે છે?” કહી ગાળો ભાંડી હુમલો શરૂ કર્યો હતો.

