રાજકોટ મેયર બંગલે એક મહત્ત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વનમંત્રી અર્જુન મોઢવાડિયા, રાજ્યનાં શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા, રાજકોટ શહેર ભાજપ અધ્યક્ષ માધવ દવે તેમજ મેયર ડો. નેહલ શુક્લ હાજર રહ્યા હતા. આ બેઠક બાદ વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ સિંહદર્શન વહેલું શરૂ થવા મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ મુજબ આ નિર્ણય લેવાયો છે. જ્યારે ગેરકાયદે રિસોર્ટસ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે આ રિસોર્ટ અત્યાર સુધી કોના આશીર્વાદથી ધમધમતા હતા તેનો જવાબ આપવાનાં બદલે વનમંત્રીએ ચાલતી પકડી હતી.
સામાન્ય રીતે સાસણ-ગીરમાં દર વર્ષે 15 ઓક્ટોબરથી સિંહદર્શન શરૂ થતું હોય છે, પરંતુ આ વર્ષે 13 દિવસ વહેલા એટલે કે 3 ઓક્ટોબરથી જ સિંહદર્શન ખુલ્લું મૂકવાની જાહેરાત કરાઈ છે. વહેલી શરૂઆતને લઈને થઈ રહેલા વિરોધ અને સવાલો અંગે વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ ખુલાસો કરતા જણાવ્યું કે, જે લોકોને પૂરી જાણકારી ન હોય તેઓ ફેરફાર કે બદલાવ થાય ત્યારે વિરોધ કે વાતો કરતા હોય છે. પરંતુ આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ પ્રમાણે જ આપણા ગીર અને ગીર પ્રાઈડના સિંહોનું સંવર્ધન થાય છે.

ગીરનું ફોરેસ્ટ મેનેજમેન્ટ અને વાઈલ્ડલાઈફ મેનેજમેન્ટ દુનિયામાં નંબર-1 છે. આફ્રિકા ખંડ અને સાઉથ આફ્રિકામાં સિંહોની વસ્તી ઘટી રહી છે, જ્યારે આપણા ગીરમાં સિંહોની વસ્તી ખૂબ સારી રીતે વધી છે. આ આપણા કન્ઝર્વેશનનો ઉત્તમ નમૂનો છે અને ઉલટાનું લોકો આપણી પાસેથી શીખવા આવી રહ્યા છે. ત્યારે આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલનું પાલન કરીને સિંહદર્શન શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.
ગીર વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર રિસોર્ટ અંગેના સવાલના જવાબમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, કાયદા અને નિયમ મુજબ જ બધી જગ્યાએ કાર્યવાહી થઈ રહી છે અને થવાની છે. જોકે, આટલા સમય સુધી આ રિસોર્ટ કોના આશીર્વાદથી ધમધમી રહ્યા હતા તે અંગેનો સવાલ પૂછાતા મંત્રીએ તેનો જવાબ આપવાનું ટાળ્યું હતું. અને તરત ત્યાંથી ઉભા થઈને ચાલતી પકડી હતી.
આ બેઠક દરમિયાન ભારત સરકારના સાંસ્કૃતિક વિભાગ અને ગુજરાત સરકારના સાંસ્કૃતિક વિભાગના સંયુક્ત ઉપક્રમે કર્ણાટક રાજ્યથી આવેલા 10 જેટલા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરો સાથે પણ વનમંત્રી સહિતનાએ સંવાદ કર્યો હતો.

