વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના છાણભોઈ ગામ ખાતે સનસનાટીભરી હત્યાની ઘટના સામે આવી હતી. પતિના નિધન બાદ પ્રેમી સાથે લીવ ઇનમાં રહેતી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં પ્રેમ સંબંધ અને ચારિત્ર્ય પરની શંકાના કારણે વિધવા મહિલાની તેના જ પ્રેમી દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. બનાવમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
શંકાના કારણે અવારનવાર ઝઘડા થતા હતા શિનોર તાલુકાના વિસ્તારમાંથી મનીષાબેન વસાવા નામની મહિલાનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ બનાવ અંગે DYSP પી. એન. પટેલના જણાવ્યા અનુસાર મૃતક મનીષાબેન વસાવા વિધવા થયા બાદ સતીશ વસાવા નામના યુવક સાથે પ્રેમ સંબંધમાં બંધાયા હતા અને બંને સાથે રહેતા હતા. આરોપી સતીશ વસાવા અવારનવાર મનીષાબેન પર ચારિત્ર્ય અંગે શંકા-કુશંકાઓ કરતો હતો, જેના કારણે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.
આવેશમાં આવી આરોપીએ તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા ગત રોજ સાંજે પણ કોઈ બાબતને લઈને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ તકરાર દરમિયાન ગુસ્સામાં આવેલા સતીશે આવેશમાં આવીને મનીષાબેન પર તીક્ષ્ણ હથિયાર વડે તાબડતોબ હુમલો કરી દીધો હતો.
હુમલામાં ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે મનીષાબેનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ શિનોર પોલીસ કાફલો તુરંત સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી કાયદેસરની ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

