વડોદરામાં વિઘ્નહર્તા ગણપતિનો પર્વ ગણશોત્સવ સંપન્ન થઈ ચૂક્યો છે અને 10માં દિવસે ગણપતિ વિસર્જન થઈ ગયું છે, તેમ છતાં વડોદરા શહેરના એક ઘરમાં હજી પણ ગણપતિનું આજે 21માં દિવસે વિસર્જન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરના લીમકર પરિવાર દ્વારા 21 દિવસ સુધી શ્રીજીની આરાધના કરવામાં આવે છે. આ અનોખી પરંપરા તેમની 5 પેઢીથી કાયમ છે.
વડોદરા શહેરના કાલુપુરા વિસ્તારના બ્રાહ્મણ ફળિયામાં રહેતાં લીમકર પરિવાર દર વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે શ્રીજી પ્રતિમાનું સ્થાપન પોતાના ઘરમાં જ કરે છે. જો કે, ગપણતિનું વિસર્જન અનંત ચતુદર્શીના રોજ કરતા નથી. આ વિસર્જન તેઓ છેક 21મા દિવસે શ્રાદ્ધપક્ષમાં દશમના રોજ કરે છે. લીમકર પરિવાર પોતાના ઘરે સવારે અને મોડી સાંજે આરતી કરે છે. માત્ર વિસર્જન જ તેઓ શ્રાદ્ધપક્ષની દસમી તિથિએ કરે છે.

લીમકર પરિવારમાં ચોથી પેઢી આ પરંપરા આગળ ધપાવી રહી વિનાયક દિનેશચંદ્ર લીમકરે આજે કાલુપુરા બ્રાહ્મણ ફળિયામાં અમારા લીમકર પરિવારમાં ચોથી પેઢી આ પરંપરા આગળ ધપાવી રહી છે, જેમાં 21 દિવસ સુધી ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવે છે.
ગણપતિ પૂજામાં 21નું વિશેષ મહત્વ છે. ગણપતિ દાદા પૃથ્વીલોક, સ્વર્ગલોક અને પાતાળલોકના અધિપતિ છે. પૃથ્વીલોક પર 7 દ્વીપ, 7 પ્રકારના સ્વર્ગલોક અને 7 પ્રકારના પાતાળલોક છે, આમ 7 × 3 = 21 થાય છે, તેથી ગણપતિ પૂજનમાં 21ના આંકડાનું વિશેષ મહત્વ રહેલું છે. દાદાને 21 પ્રકારના મોદક અને 21 પ્રકારના લાડુ ધરાવવામાં આવે છે.

