સુરતના સલાબતપુરા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરી દેતી એક અત્યંત કરુણ અને ક્રૂર હત્યાની ઘટના સામે આવી છે, જેમાં એક પાષાણ હૃદયના પતિએ પોતાની પત્નીની હત્યા કરી પુરાવા મિટાવવા માટે લાશને લાકડાની પેટીમાં પેક કરી તેના પર સિમેન્ટનું પ્લાસ્ટર લગાવી દીધું હતું.
હત્યારો પતિ વિશાલ સાલવી પાંચ દિવસ સુધી પત્નીની લાશ સાથે જ ઘરમાં રહ્યો અને બહાર પત્ની ગુમ હોવાનું જૂઠું નાટક રચી પોલીસ તથા પરિવારને છેતરતો રહ્યો હતો. અંતે, 13 વર્ષના પુત્રને મળેલી કબૂલાતની ચિઠ્ઠીએ આ ઘૃણાસ્પદ ગુનાના ભયાનક રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો છે.
શું હતી સમગ્ર ઘટના? મૂળ આરોપી વિશાલ સાલવીએ પોતાની પત્ની શિલ્પાની હત્યા કર્યા બાદ તેની લાશને સહારા દરવાજા પાસે આવેલી કાગજીની ચાલમાં આવેલા પોતાના જૂના મકાનમાં છુપાવી દીધી હતી. હત્યાના પુરાવા મિટાવવા માટે તેણે લાશને લાકડાની પેટીમાં મૂકી તેના પર સિમેન્ટનું પડ ચડાવી દીધું હતું, જેથી લાશ સડવા લાગે તો પણ દુર્ગંધ બહાર ન આવે.
હત્યાની આ ઘટના ગત 20 એપ્રિલે બની હતી. વિશાલ સાલવીએ પાંચ દિવસ સુધી પોલીસ અને પરિવારને અંધારામાં રાખ્યા હતા. શિલ્પાના પિતા પ્રદિપભાઇ કોસ્ટાએ જ્યારે ફોન કર્યો ત્યારે વિશાલે બનાવટી વાર્તા ઘડી કાઢી હતી કે, “મેં શિલ્પાને હોસ્પિટલ પાસે ઉતારી હતી અને ત્યારથી તે ગુમ છે.” પિતા જ્યારે સુરત આવ્યા ત્યારે વિશાલ પોતે તેમની સાથે પોલીસ સ્ટેશન જઈને પત્ની ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવીને તપાસમાં મદદ કરવાનો દેખાવ પણ કરતો હતો.

