મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ હવે સૌની નજર આવતીકાલે 27 એપ્રિલે યોજાનારી મતગણતરી પર છે. જિલ્લા પંચાયતની 39 બેઠક, 10 તાલુકા પંચાયતની 197 બેઠક, 6 નગરપાલિકાની 98 બેઠક અને મહેસાણા મહાનગરપાલિકાની 47 બેઠક માટે યોજાયેલા મતદાનના પરિણામો આવતીકાલે જાહેર થશે. જેના માટે વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના 17 અલગ-અલગ સ્થળે મતગણતરીની તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
મતગણતરી સ્થળ પર પોલીસ બંદોબસ્ત મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીના ઇવીએમ મશીનો મહેસાણા અર્બન વિદ્યાલય ખાતેના સ્ટ્રોંગ રૂમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ રાખવામાં આવ્યા છે. આવતીકાલે સવારે 8 વાગ્યાથી અહીં મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મતગણતરી કેન્દ્ર ખાતે કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ શાંતિપૂર્ણ માહોલમાં પરિણામો જાહેર થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

