Gujarat

વઢવાણની મૂંગા-બહેરા શાળામાં બાળકો પર અત્યાચારનો આરોપ

સુરેન્દ્રનગરની મૂંગા-બહેરા બાળકોની શાળામાં વિદ્યાર્થીઓ પર માનસિક ત્રાસની ફરિયાદ સામે આવી છે. વઢવાણ SDM મેહુલ ભરવાડની ટીમે અચાનક ચેકિંગ કરતા આ મામલો સામે આવ્યો. તપાસ પછી ગૃહમાતા સોનલબેનની અટકાયત કરવામાં આવી છે.

ફરિયાદ મુજબ, ગૃહમાતા બાળકોને માર મારતા હતા, ભૂખ્યા રાખતા હતા અને રાત્રે કામ પણ કરાવતા હતા. તેમને યોગ્ય ભોજન પણ આપવામાં આવતું ન હતું. કેટલીક દીકરીઓ પાસેથી અંગત કામ કરાવવાના પણ આક્ષેપ થયા છે. આ શાળામાં હાલ 42 વિદ્યાર્થીઓ ભણે છે.

દાતાઓ પાસેથી મળતી ચીજવસ્તુઓ અને પૈસાના ઉપયોગ અંગે પણ સવાલો ઉભા થયા છે. પ્રશાંત ભટ્ટ સામે પણ બાળકો પાસે કામ કરાવવા અને નશીલા પદાર્થોના સેવનના આક્ષેપોની તપાસ ચાલી રહી છે.

મૂંગા-બહેરા બાળકો પોતાની તકલીફો જણાવી શકતા ન હોવાથી કલેક્ટરની સૂચનાથી આ તપાસ શરૂ કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર પોલીસે ગૃહમાતા સોનલબેનની અટકાયત કરી છે અને વધુ તપાસ ચાલી રહી છે.