ભારતના 52 શક્તિપીઠો માનુ એક એવુ જૂનાગઢના ગિરનાર પર સ્થિત અંબાજી મંદિરની વર્ષો બાદ કાયાપલટ થઇ રહી છે. મંદિર જ્યારથી વહીવટી શાસન હેઠળ આવ્યુ છે ત્યારથી મંદિરની દાનપેટીની આવક વધી ગઇ છે અને મંદિરમાં નવા-નવા ફેરફારો પણ થવા લાગ્યા છે.
હવે આખા મંદિરની કાયાપલટ થઇ રહી છે. વહીવટી તંત્રના સુત્રોના જણાવ્યા મુજબ જૂનાગઢના અધિકારીઓએ પ્રાથમિક તૈયાર કરેલો પ્લાન પાસ કરી દિધો છે.
આ નકશા સહિતના પ્લાનને પ્રવાસન વિભાગમાં મોકલવામાં આવશે ત્યારબાદ ખર્ચ સહિતનુ પ્લાનીંગ કરીને મુખ્યમંત્રીના ટેબલે જશે અને ત્યાથી મંદિરની કાયાપલટ શરૂ થશે.
આ કાયાપલટમાં સૌથી મહત્વની વાત એ છે કે, અહીં રહેવા માટે કોઇ વ્યવસ્થા ન હતી હવે વીઆઇપી રૂમો સહિત સામાન્ય લોકો માટે ધર્મશાળા બનવા જઇ રહી છે. તેના લીધે અહીં રાત્રિ રોકાણ પણ થઇ શકશે.
આ ઉપરાંત હેલીપેડ એરીયા અને મંદિરની આસપાસના વિસ્તારમાં જે વર્ષોથી દુકાનોનુ દબાણ છે એ હવે વહીવટી તંત્ર દૂર કરી જગ્યા ખુલ્લી થવાની છે ત્યાં યાત્રિકોને બેસવા માટે અદભૂત આયોજન કરાયુ છે. હવે મંદિરમાં આવનારા યાત્રિકો મંદિરની બહાર બેસીને ગિરનારનો લ્હાવો પણ લઇ શકશે.

