નર્મદા જિલ્લામાંથી એક અત્યંત આઘાતજનક અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વાવાઝોડા અને વરસાદની આગાહી નર્મદાના નાંદોદ તાલુકાના લાછરસ ગામ માટે આફત બનીને ત્રાટકી છે.
આ ગમખ્વાર ઘટના ગત રોજ મોડી રાત્રે આશરે ૨:૦૦ થી ૩:૦૦ વાગ્યાના સુમારે બની હતી. જ્યારે આખો પરિવાર ગાઢ નિંદ્રામાં હતો, ત્યારે અચાનક તીવ્ર ગતિએ વાવાઝોડું શરૂ થયું હતું. પવનના જાેરદાર ઝાપટાના કારણે પહેલા મકાનની બાજુની દીવાલ ધડાકાભેર તૂટી પડી હતી અને ત્યારબાદ મકાનનો ઉપરનો આખો સ્લેબ પણ એકાએક નીચે ધસી પડ્યો હતો. જ્યારે મકાન ધરાશાયી થયું ત્યારે ૧૧ વર્ષીય બાળકી રીંકુ પોતાના માતા-પિતા સાથે નીચે સૂતી હતી.
અચાનક બનેલી આ ઘટનાના ભયાનક અવાજથી આજુબાજુના પડોશીઓ જાગી ગયા હતા. ગ્રામજનોએ ભારે જહેમત બાદ કાટમાળ નીચેથી એક-એક કરીને પરિવારના સભ્યોને બહાર કાઢ્યા હતા અને તુરંત ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. પરંતુ કમનસીબે, ૧૧ વર્ષની માસૂમ બાળકી ‘રીંકુ‘ને તબીબોએ તપાસીને મૃત જાહેર કરી હતી. સદનસીબે આ ભયાનક અકસ્માતમાં માતા-પિતાનો આબાદ બચાવ થયો છે અને તેમને સામાન્ય ઈજાઓ પહોંચી છે.
મોદી રાત્રે અચાનક સ્લેબ અને દીવાલનો ભારેખમ કાટમાળ સીધો રીંકુ પર પડતાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી અને શ્વાસ રૂંધાવાના કારણે તેનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હતું. જાેકે, સદનસીબે તેની બાજુમાં જ સૂઈ રહેલા માતા-પિતાનો આ અકસ્માતમાં આબાદ બચાવ થયો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે કાટમાળ હટાવી બાળકીના મૃતદેહને બહાર કાઢ્યો હતો અને આ મામલે કાયદેસરની તપાસ હાથ ધરી છે.

