ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર સંબંધિત જિલ્લાઓ અને નગરપાલિકાઓના વોર્ડ માટે અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.
આ ર્નિણય ભારતના બંધારણના અનુચ્છેદ ૨૪૩ (ક) તેમજ ગુજરાત નગરપાલિકા અધિનિયમ અને સંબંધિત નિયમો હેઠળ લેવામાં આવ્યો છે. જાહેર કરાયેલા આદેશ મુજબ અમદાવાદ, અમરેલી, અરવલ્લી, આણંદ, કચ્છ સહિતના જિલ્લાઓની નગરપાલિકાઓમાં ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને સુચારુ રીતે યોજાય તે માટે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.
અમદાવાદ જિલ્લામાં બોપલ, વિરમગામ અને ધોળકા નગરપાલિકાના વોર્ડ નં.૧ માટે ચૂંટણી અધિકારી તરીકે મામલતદાર કચેરીના અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે સંબંધિત મામલતદારને નિયુક્ત કરવામાં આવ્યા છે.
અમરેલી જિલ્લામાં અમરેલી, બાબરા, બગસરા, ધારી અને સાવરકુંડલા નગરપાલિકાઓના વોર્ડ માટે જિલ્લા પંચાયત અને વિવિધ વિભાગોના અધિકારીઓને ચૂંટણી અધિકારી તરીકે નિમવામાં આવ્યા છે. સાથે જ મદદનીશ ચૂંટણી અધિકારીઓ તરીકે મામલતદાર અને અન્ય પ્રશાસનિક અધિકારીઓને જવાબદારી આપવામાં આવી છે.
અરવલ્લી જિલ્લાના મોડાસા અને બાયડ નગરપાલિકા માટે પણ પ્રાંત અધિકારીઓ અને જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓને ચૂંટણી કામગીરી માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. આણંદ જિલ્લામાં ઉમરેઠ, બોરસદ, પેટલાદ, સોજિત્રા અને આણંદ નગરપાલિકાઓમાં પણ વિવિધ વિભાગોના અધિકારીઓને ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. તે ઉપરાંત કચ્છ જિલ્લાના ભુજ નગરપાલિકામાં પણ ચૂંટણી પ્રક્રિયા સંચાલન માટે અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવેલી આ નિમણૂકથી આવનારી નગરપાલિકા ચૂંટણી માટેની પ્રશાસનિક તૈયારીઓ તેજ બનવાની શક્યતા છે. ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને નિયમબદ્ધ રીતે પૂર્ણ થાય તે માટે આ અધિકારીઓ ચૂંટણી સંબંધિત તમામ કામગીરી સંભાળશે.

