ગુજરાત વિધાનસભાના ચાલી રહેલા સત્ર દરમિયાન આજે આદિવાસી વિસ્તારના શિક્ષણ, કુપોષણ, નગરપાલિકાઓના બાકી વીજબીલ અને ખાદ્ય પદાર્થોના ભેળસેળ સહિતના પ્રશ્નો ચર્ચાયા હતા. રાજ્યમાં ૫૦ લાખથી વધુ વીજબીલ બાકી હોય તેવી નગરપાલિકાઓની સંખ્યા ૧૦૯ પર પહોંચી ચૂકી છે. તો બીજી તરફ ડભોઈના ભાજપના ધારાસભ્યના એક સવાલને લઈ ગૃહમાં થોડીવાર માટે સન્નાટો છવાઈ ગયો હતો.
ખાદ્ય નમૂનામાં ચોંકાવનારા આંકડા: ૨૨,૪૧૬માંથી ૧,૧૯૭ અખાદ્ય, ૨.૩૭ કરોડ દંડ વસૂલાયો
રાજ્યમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. આરોગ્ય વિભાગે વિધાનસભામાં આપેલી માહિતી મુજબ છેલ્લા બે વર્ષ દરમિયાન રાજ્યના ૨૮ જિલ્લાઓમાંથી કુલ ૨૨,૪૧૬ ખાદ્ય નમૂના લેવામાં આવ્યા હતા. તેમાંથી ૧,૧૯૭ નમૂના અખાદ્ય મળી આવ્યા છે, જ્યારે ૧૮,૨૧૦ નમૂના પ્રમાણિત સાબિત થયા છે. હજુ ૩,૦૦૯ નમૂનાની તપાસ બાકી હોવાનું પણ જણાવાયું છે. ભેળસેળ સામે કાર્યવાહી અંતર્ગત રાજ્યભરમાંથી ૨,૧૩,૮૯૭ કિલો ખાદ્ય જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સાથે જ ભેળસેળિયા સામે કાર્યવાહી કરીને ?૨,૩૭,૬૦,૪૪૬ જેટલો દંડ વસૂલવામાં આવ્યો છે. દૂધ, ઘી, પનીર અને માવા જેવા ખાદ્ય પદાર્થોના નમૂનાઓ વધુ લેવામાં આવ્યા હતા.
ભેળસેળિયા સામે કડક કાર્યવાહી કરો: ગૃહમાં બે પૂર્વ મંત્રીઓનો સરકારને સવાલ
રાજ્યમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળના મુદ્દે વિધાનસભામાં ચર્ચા ગરમાઈ હતી. પૂર્વ મંત્રી કુમાર કાનાણી અને યોગેશ પટેલે ગૃહમાં સવાલ ઉઠાવી ભેળસેળિયા સામે વધુ કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. બંને ધારાસભ્યોએ સરકારને પૂછ્યું કે ભેળસેળ કરનારાઓ પર પ્રતિબંધ લાદવા અંગે શું પગલાં લેવામાં આવશે. જવાબમાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા નિયમિત નમૂના લેવામાં આવે છે અને ભેળસેળ સાબિત થતા દંડ સહિત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. ભવિષ્યમાં વધુ કડક પગલાં અંગે પણ સરકાર વિચારણા કરી રહી હોવાનું મંત્રીએ જણાવ્યું.
અમદાવાદ જિલ્લામાં ૩૬૦ બાળકોના હૃદય નબળા; શાળા આરોગ્ય તપાસણીમાં ખુલાસો
અમદાવાદ જિલ્લામાં શાળા આરોગ્ય તપાસણી દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોગ્ય વિભાગે ગૃહમાં આપેલી માહિતી મુજબ છેલ્લા બે વર્ષમાં ૩૬૦ બાળકોના હૃદય નબળા હોવાનું બહાર આવ્યું છે.
વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૬૯ બાળકો અને ૨૦૨૫-૨૬માં ૧૯૧ બાળકો હૃદય સંબંધિત સમસ્યાઓથી પીડિત હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત કિડની, કેન્સર, કાન-નાક-ગળા અને પેટની સમસ્યાઓ ધરાવતા બાળકોને પણ સારવાર આપવામાં આવી છે. આ મુદ્દો ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના સવાલના જવાબમાં સામે આવ્યો હતો.
ડભોઈ હાઈવેની લાઈટનો ખર્ચ નગરપાલિકા ભરે છે, ધારાસભ્યના પેટા પ્રશ્નથી ગૃહમાં સન્નાટો
વિધાનસભાની પ્રશ્નોત્તરી દરમિયાન વીજ પુરવઠા મુદ્દે રસપ્રદ સ્થિતિ સર્જાઈ હતી. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ ડભોઈ સ્ટેટ હાઈવે પર લાઈટ વ્યવસ્થા અને વીજ ખર્ચ અંગે પેટા પ્રશ્ન પૂછતા ગૃહમાં ચર્ચા થઈ હતી.
ધારાસભ્યએ જણાવ્યું કે ડભોઈ વિસ્તારમાં અવારનવાર વીજ પુરવઠો ખોરવાય છે અને હાઈવેની લાઈટનું બિલ નગરપાલિકાને ભરવું પડે છે. આ સવાલના જવાબમાં ઊર્જા મંત્રીએ જણાવ્યું કે હાઈવે લાંબો હોવાથી તેના લાઈટ બિલનો ખર્ચ નગરપાલિકા દ્વારા ભોગવવામાં આવે છે.ધારાસભ્યના નિવેદન બાદ થોડા સમય માટે ગૃહમાં સન્નાટો છવાઈ ગયો હતો અને વીજ પુરવઠા મુદ્દે ચર્ચા ગરમાઈ હતી.
રાજ્યમાં ૫૦ લાખથી વધુ વીજ બિલ બાકી હોય તેવી ૧૦૯ નગરપાલિકા
ગુજરાતની નગરપાલિકાઓમાં વીજ બિલની બાકીદારીનો મુદ્દો ગંભીર બન્યો છે. વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું કે રાજ્યની ૧૦૯ નગરપાલિકાઓ એવી છે જ્યાં ?૫૦ લાખથી વધુ વીજ બિલ બાકી છે. પાણી પુરવઠા, સ્ટ્રીટલાઇટ સહિતની સેવાઓ માટે વપરાતી વીજળીના બિલો સમયસર ન ભરાતા અનેક નગરપાલિકાઓ પર મોટી બાકીદારી ઊભી થઈ છે. સરકારના જણાવ્યા મુજબ નગરપાલિકાઓ દ્વારા બાકી વીજ બિલ ચૂકવવા માટે તબક્કાવાર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વીજ વિતરણ કંપનીઓ દ્વારા પણ બાકી રકમ વસૂલવા માટે નગરપાલિકાઓને નોટિસ આપવામાં આવી રહી છે. કેટલીક નગરપાલિકાઓમાં આ બાકીદારી ?૫૦ લાખથી વધુ પહોંચી ગઈ છે.
આ સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે નગરપાલિકાઓને તેમની આવકના સ્ત્રોતો મજબૂત બનાવવાની અને મિલ્કત વેરા સહિતની વસૂલાત વધારવાની સૂચના આપી છે, જેથી વીજ બિલ જેવી આવશ્યક ચુકવણી સમયસર થઈ શકે.
સરકારના જવાબ મુજબ રાજ્યભરની કુલ ૧૦૯ નગરપાલિકાઓમાં ?૫૦ લાખથી વધુ વીજ બિલ બાકી હોવાનું સામે આવ્યું છે, જેના કારણે નગરપાલિકાઓની નાણાકીય સ્થિતિ પર પણ અસર પડી રહી છે.
ખોટા આદિવાસીઓને બહાર કાઢવા કાંતિ ખરાડીની માગ
કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ આદિવાસી વિભાગની માંગણીઓ પર બોલતાં કહ્યું હતું કે, આદિવાસી વિસ્તારોમાં દીકરીઓ માટે હોસ્ટેલની સુવિધા વધારવાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે, વન અધિકાર યોજના હેઠળ ઘણા આદિવાસીઓને હજુ સુધી સનદ આપવામાં આવી નથી, તેથી નિયમ અનુસાર સનદો મંજૂર કરીને આપવી જાેઈએ. સાથે જ ખોટા આદિવાસીઓને બહાર કાઢીને સાચા આદિવાસીની ખરાઈ કરવાની પણ માગ કરી હતી. ઉપરાંત આંગણવાડી બહેનોને યોગ્ય વેતન આપવામાં આવે તેવી રજૂઆત પણ કરી હતી.
મેવાણીએ કુપોષિત બાળકો- આંગણવાડી બહેનોનો મુદ્દો ઉઠાવ્યો
કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ શ્રમ અને કૌશલ વિકાસ વિભાગની માંગણીઓ પર ચર્ચા દરમિયાન દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હાલમાં મહાજન પરંપરા ગાયબ થઈ ગઈ છે. ૧૫૦થી વધુ બેઠકો ધરાવતી સરકાર હોવા છતાં આજે પણ ૧૦૦માંથી ૪૦ બાળકો કુપોષિત છે અને તેમાં મોટા ભાગે આદિવાસી બાળકો છે. વધુમાં મેવાણીએ ઉમેર્યું કે, એમએલએ ક્વાર્ટરમાં કામ કરતા શ્રમિકોએ ફરિયાદ કરી છે કે જાે તેઓના વિશે ધારાસભ્ય ફરિયાદ કરશે કે તેમનું કામ યોગ્ય નથી તો કંઈપણ સાંભળ્યા વગર તેમને કાઢી મૂકવામાં આવશે.
દરેક કચેરીમાં લઘુતમ વેતન સુનિશ્ચિત કરવા મેવાણીની માગ
મેવાણીએ રાજ્યની આંગણવાડી અને આશા વર્કર બહેનોની રજૂઆતો સ્વીકારી તેમને યોગ્ય વેતન આપવાની માંગણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, શેરડીના કામદારોને હજુ સુધી ૮૭ કરોડ રૂપિયાનું ચુકવણું બાકી છે અને ઘણા સ્થળોએ આજેય લઘુતમ વેતન મળતું નથી. દરેક કચેરીમાં લઘુતમ વેતન સુનિશ્ચિત કરવું જાેઈએ તેવી માગ પણ તેમણે કરી હતી. આ ઉપરાંત ફોર્ડ કંપનીના ૧૪૦ કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે અને તેમને ટાટા કંપનીમાં સમાવી લેવાની વાત થઈ હતી, પરંતુ હજુ સુધી તે પ્રક્રિયા પૂર્ણ થઈ નથી તે મુદ્દો પણ તેમણે ઉઠાવ્યો હતો.
કોલેજાે દ્વારા લેવાતા જાતિના પ્રમાણપત્ર મુદ્દે અનંત પટેલની ચર્ચા
શ્રમ અને રોજગાર વિભાગની માંગણીઓ પર કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલએ પણ અનેક મુદ્દાઓ રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું કે, વિસનગરની એક કોલેજમાં વિદ્યાર્થી સાથે અન્યાય થયો હતો અને તપાસમાં ખ્યાલ આવ્યો કે કોલેજને સમયસર શિષ્યવૃત્તિ મળી નહોતી. તેમણે આક્ષેપ કર્યો કે, કેટલાક કોલેજાે આદિવાસી વિદ્યાર્થીઓના ઓરિજિનલ પ્રમાણપત્રો પરત આપતા નથી અને ત્રણ વર્ષની ફી ભર્યા બાદ જ પ્રમાણપત્ર આપવાની શરત મૂકે છે, જે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથેનો અન્યાય છે.
ગ્રામ પંચાયતની મંજૂરી વગર જમીન સંપાદન થતાની રજૂઆત
અનંત પટેલે વધુમાં જણાવ્યું કે વર્ગ-૩ની ભરતીમાં ૧૫૭ આદિવાસી વિદ્યાર્થીઓને ૪૦ ટકા કટ ઓફને કારણે નોકરી મળી નથી. ઉપરાંત ૧૭ જાન્યુઆરી, ૨૦૧૭ના રોજ ગુજરાતમાં પેસા એક્ટ લાગુ થયો હોવા છતાં ગ્રામ પંચાયતની મંજૂરી વગર જમીન સંપાદન માટે એજન્સીઓ આવી જાય છે. તેથી પેસા એક્ટનું કડક પાલન થાય તે માટે કાયદો વધુ મજબૂત બનાવવાની જરૂર હોવાનું તેમણે કહ્યું. મોબાઇલ ટાવર માટે ગામોમાં ભાડું આપવામાં આવે છે, પરંતુ ખૂબ ઓછું ભાડું આપવામાં આવતું હોવાની પણ રજૂઆત કરી હતી.
રાજ્યમાં ઉત્તર બુનિયાદી શાળાઓ ૧૦ અને ઉચ્ચતર બુનિયાદી શાળાઓ ૩૬ હોવાનું જણાવતાં તેમણે કહ્યું કે, આ શાળાઓમાં સ્ટાફ ૨૪ કલાક સેવા આપે છે, છતાં તેમને માત્ર ૩૦ રૂપિયા જેટલું વધારાનું વેતન આપવામાં આવે છે, જે અન્યાય સમાન છે.
કોંગ્રેસ સમયે સ્કૂલ ન હોવાની વાત પર કિરીટ પટેલનો સણસણતો જવાબ
ચર્ચા દરમિયાન એક રસપ્રદ ઘટના પણ બની હતી. ભાજપના ધારાસભ્ય જયંતી રાઠવા કોંગ્રેસ સરકારના સમયમાં શાળાઓ નહોતી એવું કહી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલએ ટોકાટોકી કરતા કહ્યું કે, જાે શાળાઓ નહોતી તો આદિવાસી નેતા અમરસિંહ ચૌધરી એન્જિનિયર કેવી રીતે બન્યા? આ પ્રશ્ન પર રાઠવા કોઈ જવાબ આપી શક્યા નહોતા.
આ ઉપરાંત ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી બોલતા હતા, ત્યારે અધ્યક્ષે તેમને મૌલિક રીતે બોલવાની ટકોર કરેલ તે સૂચનાને અનુસરતા હતા પણ બોલવાનું ભૂલી જતા ક્ષોભમાં મુકાયા અને વિચારીને ફરી પોતાની રજૂઆત શરૂ કરી હતી. વિધાનસભાની આ ચર્ચામાં આદિવાસી હકો, શ્રમિકોના પ્રશ્નો અને શિક્ષણ સંબંધિત મુદ્દાઓ કેન્દ્રમાં રહ્યા હતા.

