ગાંધીનગર સેક્ટર-૭ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ગાંધીનગર અને પાટણ પંથકમાં તરખાટ મચાવનાર ૨૩ વર્ષીય રીઢા ચોર રાહુલ ઉર્ફે મેહુલ પટણીને ચોરાયેલી રીક્ષા સાથે ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ એટલો લાંબો છે કે તેના વિરુદ્ધ અગાઉ અલગ-અલગ પોલીસ મથકોમાં કુલ ૧૭ જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. ગાંધીનગર સેક્ટર-૭ પોલીસ મથક વિસ્તારમાં વાહન ચોરીના ગુનાનો દિન પ્રતિદિન વધતા ઁૈં બી. બી. ગોયલ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.
આ સૂચનાના આધારે સર્વેલન્સ સ્કોડના ઁજીૈં જે. એચ. મકવાણા સહિતની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી અત્રેના વિસ્તારમાં બાતમીદારોને એક્ટિવ કરી પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન બાતમી મળી હતી કે, સેક્ટર-૧૩ બગીચા પાસે ચોરાયેલી રીક્ષા સાથે એક શંકાસ્પદ શખ્સ ઉભો છે. જેના પગલે પોલીસે રાહુલ ઉર્ફે મેહુલ ગુગાભાઈ પટણી (રહે. હાઉસીંગ બોર્ડના છાપરા, ગાંધીનગર, મૂળ રહે. પાટણ) નામના ૨૩ વર્ષીય યુવકને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી (જીજે-૧૮એવાય-૩૫૪૫) નંબરની સીએનજી રીક્ષા મળી આવી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આ રીક્ષા થોડા સમય પહેલા જ ચોરવામાં આવી હતી.
જે મામલે ૬૦ હજારની કિંમતની રિક્ષા ચોરીની ફરિયાદ પણ પોલીસ ચોપડે નોંધાઈ હતી. જ્યારે પોલીસની વધુ તપાસમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે કે પકડાયેલ આરોપી રાહુલ પટણી કોઈ સામાન્ય ચોર નથી, પરંતુ રીઢો ગુનેગાર છે. તેની વિરુદ્ધ સેક્ટર-૭, સેક્ટર-૨૧, ઇન્ફોસિટી અને પાટણ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મળી કુલ ૧૭ જેટલા ચોરી અને મારપીટના ગુનાઓ નોંધાયેલા છે. આ ઉપરાંત સેક્ટર ૭ પોલીસે બેટરી ચોરીના અન્ય એક ગુનાનો ભેદ પણ ઉકેલી નાખ્યો છે. જેમાં હિંમતસિંહ વાઘેલાની સ્કોર્પિયો ગાડીમાંથી બેટરીઓ ચોરનાર મંગળ બાવરી નામના શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. હાલમાં પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

