રાજકોટ શહેર SOG ટીમે ચોક્કસ બાતમીના આધારે જામનગર રોડ પર ભીસ્તીવાડ સ્લમ ક્વાર્ટર નજીકથી યાકુબ મોટાણી નામના શખ્સને ગેરકાયદેસર દેશી બનાવટની રિવોલ્વર અને મોબાઈલ મળી કુલ રૂ. 35,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પારિવારિક ઝઘડાના કારણે હથિયાર રાખતો આ આરોપી અગાઉ પણ ગેરકાયદે હથિયાર સાથે ક્રાઇમ બ્રાન્ચના હાથે પકડાઈ ચૂક્યો હતો, અને આ વખતે તેણે આ રિવોલ્વર ત્રણ વર્ષ પહેલાં મધ્યપ્રદેશના સપ્લાયર રાજાવટ ઉર્ફે રાજા ભૈયા પાસેથી ખરીદી હોવાની કબૂલાત આપતાં SOG ટીમે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને હથિયાર આપનાર સપ્લાયરની શોધોખોળ શરૂ કરી છે.
પરપ્રાંતિય યુટ્યુબરે ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ મૂળ પશ્ચિમ બંગાળના અને હાલ રાજકોટના કોઠારિયા રોડ પર આવેલી રણુજા સોસાયટીમાં રહેતા 32 વર્ષીય યુટ્યુબર રાહુલ જીતેન્દ્રભાઈ વ્યાસે ઘરકંકાસના કારણે ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો છે. પત્નીએ કોમ્પ્યુટરમાંથી પોતાની આઈડી ડિલીટ કરવાનું કહેતા દંપતી વચ્ચે થયેલા ઝઘડાથી માઠું લાગી આવતા યુવકે પોતાના ઘરે પંખા સાથે ચાદર બાંધી આ પગલું ભર્યું હતું.
પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. એક પુત્રીના પિતા અને પરિબારમાં સૌથી નાના એવા આ યુવકના આપઘાતના પ્રયાસ અંગે આજીડેમ પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી વધુ કાર્યવાહી શરૂ કરી છે.
પરિણીતાને નાની બહેન સાથે ઝઘડો થતાં જ્વલનશીલ પ્રવાહી પીધું રાજકોટના નાણાવટી ચોક પાસે આવેલી પરમેશ્વર સોસાયટીમાં માવતરે આવેલી 20 વર્ષીય પરિણીતા મહેકબેન નવાઝભાઈ કુરેશીએ નાની બહેન સાથેના નજીવા ઝઘડાથી અકળાઈને જ્વલનશીલ પ્રવાહી પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
ઉપલેટા સાસરી ધરાવતી આ યુવતીની તબિયત લથડતાં જ પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ બનાવ અંગે પોલીસે યુવતીનું નિવેદન નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

