Gujarat

સુરત મનપાના બે મહત્તવના નિર્ણય મેદાન વગરની 70 સ્કૂલમાં ધાબા પર ધ્વજવંદન પર રોક

સુરત મહાનગરપાલિકા દ્વારા શિક્ષણ અને વહીવટી ક્ષેત્રે બે અત્યંત મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. તાજેતરમાં સુમન સ્કૂલમાં અગાસી પર કરંટ લાગવાથી વિદ્યાર્થીના થયેલા દુઃખદ અવસાન બાદ 15મી ઓગસ્ટે ધાબા પર ધ્વજવંદન કરવા પર સંપૂર્ણ રોક લગાવી દેવામાં આવી છે. આ ઉપરાંત, પાલિકાની સીધી ભરતીમાં માજી સૈનિકોને રાજ્ય સરકારની નીતિ મુજબ અનામત આપવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે.

શાળાના ધાબા પર ધ્વજવંદન કરવા સામે પ્રતિબંધ સુમન સ્કૂલની દુઃખદ ઘટના બાદ બાળકોની સલામતી સુનિશ્ચિત કરવા શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયાએ આ નિર્ણયની જાહેરાત કરી છે. શિક્ષણ સમિતિની 350 પૈકી મેદાનવિહોણી 70 શાળાઓ અત્યાર સુધી અગાસી પર સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરતી હતી. હવેથી આવી શાળાઓને અગાસી પર કાર્યક્રમ યોજવાને બદલે નજીકની મેદાન ધરાવતી શાળામાં કે મનપાના મુખ્ય આયોજનમાં સામેલ થવા આદેશ કરાયો છે.

મનપાની સીધી ભરતીમાં માજી સૈનિકોને અનામતની દરખાસ્ત ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગના 22 જાન્યુઆરી 2018ના નોટિફિકેશન અને હાઈકોર્ટના નિર્દેશોને આધારે સુરત પાલિકાએ કાયમી ભરતીઓમાં માજી સૈનિકોને અનામત આપવાની પ્રક્રિયા શરૂ કરી છે.

વર્ગ-1 અને વર્ગ-2 માટે 1% અનામત, વર્ગ-3 માટે 10% અનામત અને વર્ગ-4 માટે 20% અનામતની જોગવાઈ લાગુ થશે. આ દરખાસ્ત સ્થાયી સમિતિ અને સામાન્ય સભાની આખરી મંજૂરી બાદ અમલમાં આવશે. સાથે જ ભવિષ્યમાં રાજ્ય સરકાર દ્વારા અનામતના નિયમોમાં થનારા ફેરફારોનો અમલ કરવા માટે મ્યુનિસિપલ કમિશનરને અધિકૃત કરવામાં આવશે.