પોતાના જ ઉપરી અધિકારીને એસીબીના ખોટા કેસમાં ફસાવવા માટે એક વ્યક્તિનું અપહરણ કરવા, ધાકધમકી આપવા તથા બનાવટી પુરાવા ઊભા કરવાના ગંભીર આક્ષેપો હેઠળ ગુનો નોંધાયા બાદ કેસની સંપૂર્ણ સુનાવણી, સાક્ષીઓની ઉલટતપાસ અને બચાવ પક્ષની દલીલોને ધ્યાને લીધા બાદ સેશન્સ કોર્ટ દ્વારા તત્કાલીન PSI મહેન્દ્રકુમાર જેબલીયા, PC પ્રશાંતભાઈ રાઠોડ, પ્રતાપભાઈ કરપડા અને વિશાલભાઈ દાવેરાને નિર્દોષ મુક્ત કરવા હુકમ કર્યો છે.
PI સાથેના મનદુઃખમાં ACB ટ્રેપ ગોઠવવા અપહરણ કર્યાનો આક્ષેપ જામનગર રોડ પર આવેલ મહાવીર રેસિડેન્સીમાં રહેતા અંકિત શાહ નામના નાગરિકે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, વર્ષ 2020માં ગાંધીગ્રામ પોલીસે તેમના ભાઈ નમન શાહના કાર પાર્કિંગમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો.
ત્યારબાદ આ કેસના આરોપી પોલીસ કર્મચારીઓ તેમના ઘરે આવ્યા હતા અને PSI જેબલીયા બોલાવે છે તેમ કહી અંકિતનું બળજબરીથી I20 કારમાં અપહરણ કરી ગયા હતા. કારમાં બેઠા બાદ પોલીસ અધિકારીઓએ PI કે.એ. વાળા સાથે મનદુઃખ હોવાનું જણાવી તેમને ફસાવવા માટે રેકોર્ડિંગ ડિવાઈસ આપીને PIની ચેમ્બરમાં મોકલ્યા હતા અને ACB ટ્રેપ કરાવવા દબાણ કર્યું હતું.
11 સાક્ષીઓની જુબાની અને FSL અધિકારીની ઉલટતપાસ ગંભીર આક્ષેપોના આધારે પોલીસે IPCની કલમ 365 (અપહરણ), 506(2) (ધમકી આપવી), 120(બી) (ગુનાહિત કાવતરું), 166 અને 195(6) (ખોટો પુરાવો ઊભો કરવો) હેઠળ ગુનો નોંધી અદાલતમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. સુનાવણી દરમિયાન પ્રોસિક્યુશન પક્ષ દ્વારા કુલ 11 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી અને 11 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, કેસમાં રજૂ કરવામાં આવેલી સી.ડી. અંગે એફ.એસ.એલ. અધિકારીની પણ વિશેષ ઉલટતપાસ કરવામાં આવી હતી, જેના આધારે બંને પક્ષો વચ્ચે કાનૂની દલીલો થઈ હતી.

