ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના ખેડૂતવાસ મુક્તનગર વિસ્તારમાં જૂની અદાવતમાં અગાઉ થયેલી પોલીસ ફરિયાદનું પંચનામું કરવા ગયેલા ફરિયાદી અને પોલીસ સ્ટાફની નજર સામે જ સામા પક્ષના શખ્સોએ હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ પોલીસની હાજરીમાં જ ફરિયાદી પક્ષ પર ભારે પથ્થરમારો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સનસનાટીભર્યા બનાવ અંગે યુવકે એક મહિલા સહિત 5 હુમલાખોરો વિરૂદ્ધ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે પંચનામા માટે ફરિયાદી ભાઈઓને સ્થળ પર બોલાવ્યા હતા આ બનાવ અંગે ઘોઘારોડ પોલીસ મથકમાંથી મળતી વિગતો અનુસાર, ગત 21 મેના રોજ સાગર નામના યુવકને કુણાલ નામના શખ્સના ઘર પાસે માથાકૂટ થઈ હતી. જે તે સમયે સાગરે આ મામલે ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં કુણાલ ચુડાસમા, અવિનાશ ચુડાસમા અને રોહીત ઉર્ફે બોમ્બ નામના શખ્સો વિરૂદ્ધ સત્તાવાર ગુનો નોંધાવ્યો હતો.
આ કેસની તપાસના ભાગરૂપે ગઈકાલે સાંજે આશરે 06:15થી 06:30 વાગ્યાના અરસામાં બોરડીગેટ ચોકીનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળની તપાસ અને પંચનામાની કાર્યવાહી માટે ફરિયાદી સાગર અને તેના ભાઈ સંજયને સાથે રાખીને મુક્તનગર વિસ્તારમાં ગયો હતો.
‘કેમ ફરિયાદ કરી?’ કહી મહિલાએ ગાળો ભાંડી, સાગરીતોએ ઈંટોના ઘા કર્યા પોલીસ સ્ટાફ અને ફરિયાદી પક્ષ જ્યારે ઘટનાસ્થળે પહોંચીને કાનૂની કાર્યવાહી કરી રહ્યો હતો, ત્યારે જ અગાઉના કેસના આરોપી કુણાલના માતા શાંતાબેન ચુડાસમા ત્યાં ધસી આવ્યા હતા. તેમણે પોલીસની હાજરીમાં જ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી “અમારી ઉપર કેમ ફરિયાદ કરી છે?” તેમ કહી ફરિયાદી ભાઈઓને જાહેરમાં બિભત્સ ગાળો આપવાનું શરૂ કર્યું હતું. સાથોસાથ તેમણે ધમકી આપી હતી કે, “જો હવે વધુ કોર્ટ-કચેરી કે ફરિયાદ કરશો તો તમને જાનથી મારી નાખીશું.”

