કબડ્ડી ખેલાડીઓનું ચાર દિવસનું દ્વિવાર્ષિક મૂલ્યાંકન મંગળવારે નેતાજી સુભાષ પશ્ચિમ પ્રાદેશિક કેન્દ્ર, ગાંધીનગર ખાતે શરૂ થયું.
આ ચાર દિવસના ગાળા દરમિયાન અંદાજે ૧૦૦ જેટલા કબડ્ડી ખેલાડીઓનું સંપૂર્ણ અને ઝીણવટભર્યું મૂલ્યાંકન કરવામાં આવશે. આ દરમિયાન ખેલાડીઓ બાયોમેકેનિક્સ, ન્યુટ્રિશન (પોષણ), સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ તેમજ સાયકોલોજિકલ સહિતના વિવિધ પરીક્ષણોમાંથી પસાર થશે.
મીડિયા સાથે વાત કરતા ગાંધીનગરના હાઈ પરફોર્મન્સ એનાલિસ્ટ – સાયકોલોજી, ડૉ. દીનિકા એસ. મોરેએ જણાવ્યું હતું કે, “આજે અમે ખેલાડીઓનો મેન્ટલ ટફનેસ ટેસ્ટ અને સ્પર્ધા પહેલા થતી ચિંતા સંબંધિત પરીક્ષણો કર્યા હતા. ચિંતા સંબંધિત ટેસ્ટ એ નક્કી કરે છે કે રમતવીર સ્પર્ધા પહેલા ચિંતિત થાય છે કે નહીં અને જાે હા, તો કયા સ્તર સુધી. આ માટે તેમને રમત દરમિયાન આવી પડતી વિવિધ પરિસ્થિતિઓ અંગેના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. એકવાર આ ટેસ્ટના પરિણામો આવી જાય પછી અમે ખેલાડીઓ સાથે તેની ચર્ચા કરીએ છીએ, અમે તેમને તેમના મજબૂત પાસાં કયા છે અને કયા ક્ષેત્રોમાં સુધારો કરવાની જરૂર છે તે જણાવીએ છીએ.”
“અમે રમતવીરોના પ્રદર્શનને શ્રેષ્ઠ બનાવવા માટે કેટલીક તકનીકોનો ઉપયોગ કરીએ છીએ, ધારો કે જાે કોઈ ખેલાડીમાં આત્મવિશ્વાસની કમી હોય તો અમે તેને સુધારવા માટેની પદ્ધતિઓ શીખવીએ છીએ. એવી જ રીતે જાે કોઈ ખેલાડીમાં પ્રેરણાનો અભાવ હોય, તો તેને દૂર કરવા માટેની તકનીકો અમે તેમના કોચ સાથે શેર કરીએ છીએ. આ માનસિક મૂલ્યાંકનના પરિણામો હોવાને કારણે કોચને દરેક રમતવીર માટે એક કસ્ટમાઇઝ્ડ અભિગમ તૈયાર કરવામાં મદદ મળે છે.”
ડૉ. મોરેએ રમતવીરોના જ્ઞાનાત્મક કામગીરી સુધારવા માટે સ્પોર્ટ્સ સાયકોલોજિસ્ટ્સની ભૂમિકા પણ સમજાવી હતી.
તેમણે ઉમેર્યું કે, “અમે રમતવીરોનો રિએક્શન ટાઈમ અને ભારે દબાણ હેઠળ ર્નિણયો લેવાની ક્ષમતા સુધારવા માટે તેમની સાથે કામ કરીએ છીએ. રમત દરમિયાન, ખેલાડીઓએ સેકન્ડના નાનકડા ભાગમાં ર્નિણયો લેવાના હોય છે, ઉદાહરણ તરીકે એક ફૂટબોલ ખેલાડીના પગમાં બોલ હોય, ત્યારે તેણે તરત જ નક્કી કરવું પડે છે કે બોલ પાસ કરવો, શોટ મારવો, બોલ પોતાની પાસે રાખવો કે પછી શું કરવું, આ બધું તેમનું મગજ દબાણ હેઠળ કેવી પ્રતિક્રિયા આપે છે તેના પર ર્નિભર છે. અમારી પાસે એવા સાધનો છે જે ખેલાડીઓને દબાણ હેઠળ ઝડપથી અને યોગ્ય ર્નિણય લેવાની ક્ષમતાની તાલીમ આપવામાં મદદ કરે છે.”

