Gujarat

ડુંગરપુર નજીક સિંહણ અને બે સિંહબાળની લટાર

​ગિરનારના વિશાળ જંગલ વિસ્તારમાં હાલ 54 કરતાં પણ વધુ સિંહોનો સ્થાયી વસવાટ છે. આ જંગલને અડીને આવેલા માનવ વસાહત ધરાવતા વિસ્તારોમાં અવારનવાર વન્યજીવોની અવરજવર જોવા મળતી હોય છે, ત્યારે તાજેતરમાં ડુંગરપુર ગામ નજીક સિંહણ પોતાના બે સિંહબાળ સાથે નિશ્ચિંત બનીને રસ્તા પર લટાર મારતી નજરે પડી હતી.

સિંહણ અને બે સિંહબાળની રસ્તા પર લટાર આ સિંહ પરિવાર ડુંગરપુર ગામ નજીક આવેલી જાણીતી સુભાષ હાઇસ્કૂલ આસપાસના વિસ્તારમાં મુક્તપણે વિહરતો જોવા મળ્યો હતો. રાત્રિના સમયે સિંહણ અને તેના બંને બાળકો રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે મુખ્ય માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકોએ શિસ્તબદ્ધ રીતે પોતાના વાહનો થોભાવી દીધા હતા અને સિંહ પરિવારને સુરક્ષિત રીતે રસ્તો ક્રોસ કરવા દીધો હતો.

ત્યાંથી પસાર થતી એક વ્યક્તિએ આ અદ્ભુત દ્રશ્ય પોતાના મોબાઈલ કેમેરામાં કંડારી લીધું હતું, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સિંહણ અને તેના બે બાળકોની આ લટાર જોઈને લોકોમાં ભારે કૌતુક જોવા મળ્યું છે.

બીજી તરફ, રાત્રિના સમયે વનરાજોની રસ્તા પરની ઉપસ્થિતિને ધ્યાને રાખી વનવિભાગે આસપાસના વિસ્તારોમાં પેટ્રોલીંગ વધારી દીધું છે અને સ્થાનિક રાહદારીઓ તથા વાહનચાલકોને રાત્રિના સમયે સાવચેત રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા સૂચના આપી છે.