ડભોઇ વિશ્વની સૌથી જૂની નેરોગેજ રેલવે લાઈનનો ગૌરવવંતો ઇતિહાસ ધરાવતી ઐતિહાસિક ડભોઇ નગરીના રેલવે સ્ટેશન પરિસરમાં આવેલો નેરોગેજ હેરીટેજ પાર્ક’ ફરી એકવાર નવા રંગરૂપ સાથે ધમધમતો થયો છે.
ગાયકવાડી શાસનકાળની અમૂલ્ય રેલવે વિરાસત સમાન આ પાર્કમાં અત્યાર સુધી જૂના દસ્તાવેજો અને બળદગાડી વડે ખેંચાતી ટ્રેનની ઐતિહાસિક તસવીરો મૂકવામાં આવી હતી. પરંતુ હવે તેમાં એક નવું નજરાણું ઉમેરવામાં આવ્યું છે. રેલવે તંત્ર દ્વારા પાર્કમાં ઐતિહાસિક નાની ગાડી (નેરોગેજ)નો ડબ્બો અને ખાસ પ્રકારની ‘બાબા ગાડી’ (રેલવે ટ્રોલી) મૂકવામાં આવતા મુસાફરો અને નગરજનોમાં ભારે આકર્ષણ જોવા મળી રહ્યું છે.
ડભોઇની નેરોગેજ રેલવેનો ગૌરવશાળી ઇતિહાસ વડોદરાના તત્કાલીન મહારાજા ખંડેરાવ ગાયકવાડ દ્વારા 1850ના દાયકામાં મિયાગામ-કરજણથી ડભોઇ વચ્ચે વિશ્વની સૌથી જૂની 2’6″ (નેરોગેજ) રેલવે લાઈનનું નિર્માણ કર્યુ હતું. શરૂઆતમાં આ પાટા પર બળદોની જોડી દ્વારા રેલવેના ડબ્બા ખેંચવામાં આવતા હતા.
અને ત્યારબાદ વરાળ (સ્ટીમ) એન્જિનની શરૂઆત થઈ હતી. એક સમયે ડભોઇ એશિયાના સૌથી મોટા નેરોગેજ રેલવે જંક્શન તરીકે ગણાતું હતું. જ્યાંથી પાંચ અલગ-અલગ દિશામાં (પ્રતાપનગર, બોડેલી-છોટાઉદેપુર, ચાંદોદ, ટીંબા રોડ અને જંબુસર તરફ) ટ્રેનો દોડતી હતી.

