Gujarat

સંતાનના પિતાએ 8 વર્ષની બે બાળકીને બીભત્સ વીડિયો બતાવી અડપલાં કર્યા

રાજકોટના ઘંટેશ્વર SRP ગ્રુપ 13 કેમ્પમાં ફરજ બજાવતા 55 વર્ષીય ASI નરેન્દ્રસિંહ જાડેજાએ બે બાળકીને ન્યૂડ વીડિયો બતાવી તેની સાથે અડપલાં કર્યાની ઘટના સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. આરોપી દ્વારા પોલીસ પરિવારની જ બે 8 વર્ષની બાળકીને ક્લોધિંગ સ્ટોરમાં રમાડવાના બહાને લઈ જઈ બીભત્સ વીડિયો બતાવી અડપલાં કર્યાની ફરિયાદ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી છે.

બે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ રાજકોટ SRPમાં પોલીસ તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ઘંટેશ્વર SRP કેમ્પમાં ફરજ બજાવતા નરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજાનું નામ આપ્યું છે. જ્યારે તેમના વિરુદ્ધ બીજી પોલીસ ફરિયાદ પણ SRPમાં ફરજ બજાવતા પોલીસ પરિવારની 8 વર્ષની બાળકી સાથે અડપલાં કર્યા અંગે નોંધાતા પોક્સો એક્ટ હેઠળ બે ફરિયાદ નોંધી પોલીસે તાત્કાલિક આરોપીને ઝડપી પાડી ઘંટેશ્વર SRP કેમ્પના કમાન્ડન્ટને જાણ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દીકરીએ પાલક દાદાને ઘટના અંગે વાત કરી પોલીસ પરિવારની 7 વર્ષની બાળકી 17 નવેમ્બરે ઘર પાસે રમી રહી હતી, દરમિયાન બાળકીનો ઉછેર કરનાર પાલક દાદા તેના ઘરે આવ્યા હતા. ઘર પાસે રસ્તામાં જ આરોપી નરેન્દ્રસિંહ જાડેજાને જોઈ દીકરી અચાનકથી ડઘાઈ ગઈ હતી. બાળકીના વર્તનમાં ફેરફાર જણાતાં પાલક દાદાએ પૂછપરછ કરી હતી.

ત્યારે બાળકીએ એક વર્ષ પહેલાં આરોપીએ તેની સાથે આચરેલી હેવાનિયતની વાત કરી હતી. પાલક દાદાએ તાત્કાલિક બાળકીની પોલીસકર્મી માતાને જાણ કરી હતી. આ વાતથી રોષે ભરાયેલી માતાએ નરેન્દ્રસિંહના ઘરે પહોંચી હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ માતા યુનિવર્સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચી હતી.