બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ડીસા તાલુકાના ઝેરડા ગામમાંથી જાહેરમાં જુગાર રમતા પાંચ વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી રોકડા ₹16,330 અને અન્ય મુદ્દામાલ મળી કુલ ₹21,830 જપ્ત કર્યો છે. LCB દ્વારા દારૂ અને જુગારબંધી માટે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવી છે. આ અંતર્ગત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવા માટે વિશેષ ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું.
LCB ટીમના પોલીસ કોન્સ્ટેબલ કાનસિંહ, જયપાલસિંહ અને મુકેશભાઈને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ટીમે ઝેરડા ગામના કેદારનગર વિસ્તારમાં આવેલી સરકારી શાળા પાછળની બાવળોની ઝાડીમાં ખુલ્લી જગ્યા પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, ગંજીપાના વડે રૂપિયા-પૈસાની હારજીતનો જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં અજયભાઈ રેવાભાઈ, બળવંતભાઈ વેલાજી, કાનજી રેવાજી, રમેશભાઈ રેવાભાઈ અને મુકેશભાઈ બીજોલભાઈનો સમાવેશ થાય છે. આ તમામ કેદારનગર, ઝેરડા, ડીસાના રહેવાસી છે.

