અંબાજી ખાતે 72 કડવા પાટીદાર સમાજ દ્વારા એક ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં સમગ્ર ગુજરાતમાંથી કડવા પાટીદાર સમાજના હજારો લોકો ઉમટી પડ્યા હતા.
સમાજમાં એકતા અને ભક્તિનો સંદેશ આપવા માટે 55 જેટલી લક્ઝરી બસોમાં ભક્તો અંબાજી પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં 3180 થી વધુ મહિલાઓ અને 400 થી વધુ સ્વયંસેવક ભાઈઓ ઉત્સાહભેર જોડાયા હતા. સવારે સમાજના આગેવાનોએ મંદિરના શિખર પર ધજા અર્પણ કરી હતી. ત્યાર બાદ ગણેશ ભુવનમાં સમાજમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પાટીદાર અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

મોટી સંખ્યામાં આવેલી બહેનોએ મંદિરના ચાચર ચોકમાં આનંદ ગરબા રમ્યા હતા. આખો ચાચર ચોક ભક્તોની ભીડથી ઉભરાઈ ગયો હતો અને સમગ્ર મંદિરમાં ભક્તિમય માહોલ છવાયો હતો. બહેનોએ ગરબા દ્વારા માં અંબાની આરાધના કરી હતી.

