Gujarat

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બરોડાનો 8 વિકેટે ભવ્ય વિજય

મુંબઈ ખાતે રમાઈ રહેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી એલિટ T20 ટુર્નામેન્ટમાં બરોડાની ટીમે મિઝોરમ સામે 8 વિકેટે શાનદાર વિજય મેળવ્યો હતો. આજે 16 નવેમ્બરના રોજ મુંબઈના MCA શરદ પવાર ક્રિકેટ એકેડમી, BKC ખાતે રમાયેલી ટુર્નામેન્ટની 19મી મેચમાં મિઝોરમે પ્રથમ બેટિંગ કરતાં નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 133 રન બનાવ્યા હતા.

જેના જવાબમાં બરોડાએ આક્રમક બેટિંગ કરીને માત્ર 10.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 138 રન બનાવી મેચ પોતાના નામે કરી હતી.

મિઝોરમની ટીમે 20 ઓવરમાં 133 રન બનાવ્યા મિઝોરમની ટીમે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 133 રનનો સ્કોર નોંધાવ્યો હતો. બરોડાના બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને મિઝોરમના બેટ્સમેનોને મોટા સ્કોર સુધી પહોંચતા અટકાવ્યા હતા. અતિત શેઠે 3.4 ઓવરમાં 35 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. જ્યારે હેમંત પુંડે, રાજ લિમ્બાણી અને કૃણાલ પંડ્યાએ 1-1 વિકેટ મેળવી હતી. રાશિક દારે 4 ઓવરમાં માત્ર 19 રન આપ્યા હતા.

શિવાલિક શર્માની તોફાની બેટિંગ આકર્ષણનું કેન્દ્ર 134 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી બરોડાની ટીમે શરૂઆતથી જ આક્રમક અંદાજ અપનાવ્યો હતો. ઓપનર અમિત પાસીએ 6 બોલમાં 5 રન બનાવ્યા હતા, જ્યારે શાશ્વત રાવતે 14 બોલમાં 25 રનની ઝડપી ઇનિંગ રમી હતી. જોકે, મેચનું મુખ્ય આકર્ષણ શિવાલિક શર્માની તોફાની બેટિંગ રહી હતી.

39 બોલમાં અણનમ 101 રન ફટકાર્યા શિવાલિક શર્માએ માત્ર 39 બોલમાં અણનમ 101 રન ફટકારીને મિઝોરમના બોલરોની બોલિંગના ધજાગરા ઉડાવ્યા હતા. તેની આ ઇનિંગમાં 5 ચોગ્ગા અને 11 ગગનચુંબી છગ્ગાનો સમાવેશ થયો હતો. તેણે 259ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરીને ટીમને આસાન વિજય અપાવ્યો હતો.