પ્રભાસ પાટણ વિસ્તારમાં એક સમય એવો હતો કે ઘેઘૂર વૃક્ષો અને જૂની દિવાલો ઉપર મધમાખીનાં મોટા મધપુડાઓ ઝળંબતા જોવા મળતા હતા. ભૂલેચૂકે કોઈએ મધપુડાને છંછેડી દીધું તો મધમાખીઓના ડંખથી લોકો હેરાન-પરેશાન થઈ જતા અને ક્યારેક દવાખાને દાખલ થવાની નોબત પણ આવતી હતી.
તે સમયમાં પ્રભાસમાં એવા કુશળ લોકો પણ હતા કે જેઓ શરીરે કપડા લપેટી વૃક્ષ નીચે ધૂમાડો કરી અથવા ગાભા બાળી મધમાખીઓને દૂર ભગાડતા અને પછી મધપુડામાંથી મધ કાઢી વેચતા હતા. 20મે 1734નાં રોજ જન્મેલા મધમાખી ઉછેર ટેકનિકના વિકાસકર્તા એન્ટોન જાન્સાએ વિકસાવેલી પદ્ધતિને વિશ્વભરમાં સ્વીકૃતિ મળી હતી.
આજે મધમાખી ઉછેર માત્ર પરંપરા નહીં પરંતુ ખેડૂતો માટે વધારાની આવક અને સ્વાવલંબનનું મહત્વપૂર્ણ સાધન બની ગયું છે. વેરાવળ તાલુકાના મીઠાપુર ગામમાં મધમાખી ઉછેરનો સફળ પ્રયોગ થયો હોવાનું જાણવા મળે છે. સાથે જ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-કોડીનાર દ્વારા અવારનવાર ત્રણ દિવસીય મધમાખી ઉછેર તાલીમ કાર્યક્રમો યોજાતા રહે છે. જેમાં ખેડૂતોને વૈજ્ઞાનિક પદ્ધતિથી મધમાખી ઉછેર અંગે માર્ગદર્શન આપવામાં આવે છે.

