ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવાની ભીતિ વચ્ચે રાજ્ય સરકારે મહત્વનો ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે. આવતીકાલ, 20 ઓગસ્ટથી સુજલામ સુફલામ યોજના અંતર્ગત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે. સરકારના આ નિર્ણયથી હજારો ખેડૂતોને મોટી રાહત મળવાની આશા છે.
અમેરિકાથી CM ભૂપેન્દ્ર પટેલે આપ્યા તાત્કાલિક આદેશ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાલ અમેરિકાના પ્રવાસે હોવા છતાં ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાવાની સ્થિતિને ગંભીરતાથી લીધી છે. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક સંપર્ક કરીને ઉત્તર ગુજરાતના ખેડૂતોની સ્થિતિ અંગે રજૂઆત કરી હતી.
બંને આગેવાનોએ સુજલામ સુફલામ યોજના હેઠળ ખેડૂતોને સિંચાઈ માટે તાત્કાલિક પાણી ઉપલબ્ધ કરાવવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ વિદેશથી જ સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
ઊભા પાકને મળશે ‘સંજીવની’ ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા અનેક વિસ્તારોમાં ખેડૂતોના ઊભા પાકને સમયસર પાણીની જરૂરિયાત ઊભી થઈ છે. આવી સ્થિતિમાં 20 ઓગસ્ટથી સિંચાઈનું પાણી છોડવાનો નિર્ણય ખેડૂતો માટે સંજીવની સમાન સાબિત થઈ શકે છે. સમયસર પાણી મળવાથી પાકને નુકસાન થતું અટકશે તેમજ ખેડૂતોને મોટું આર્થિક નુકસાન ટાળવામાં મદદ મળશે.

