બામણિયાથી વાંસકુઈ તરફના નવા બનેલા માર્ગ પર અકસ્માતોનો સિલસિલો યથાવત છે. આજે, 19 ઓક્ટોબરના રોજ, આ માર્ગ પર એક i20 કાર ચીકણા રસ્તાને કારણે અનિયંત્રિત થઈને રોડની સાઈડમાં ખાબકી હતી. સદનસીબે, કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો, પરંતુ વાહનને ભારે નુકસાન થયું હતું.
તાજેતરમાં જ નિર્માણ પામેલો આ રસ્તો પહેલા જ વરસાદમાં વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે. વરસાદ પડતાં જ સમગ્ર માર્ગ અત્યંત ચીકણો અને લપસણો બની જાય છે, જેના કારણે વાહનો બ્રેક મારતાની સાથે જ કાબૂ ગુમાવી દે છે અને રોડની સાઈડમાં ઉતરી જાય છે આ પહેલા પણ આ જ ચીકણા રસ્તા પરથી એક લક્ઝરી બસ અને એક આઈસર ટેમ્પો લપસીને રોડની સાઈડમાં ખાબક્યા હતા. તે ઘટનામાં પણ મોટી દુર્ઘટના ટળી હતી, પરંતુ વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
અવારનવાર થતા અકસ્માતો અને નવા બનેલા રોડની હલકી ગુણવત્તાને લઈને સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તેઓ નિર્દોષ વાહનચાલકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.

