અમદાવાદના નવરંગપુરામાં રહેતી આઈટી એન્જિનિયર યુવતીને રેપિડોથી પાર્સલ મોકલ્યા બાદ ભાડા બાબતે ડિલિવરી બોય સાથે માથાકૂટ થઈ હતી. ઝગડા બાદ યુવતીને અલગ-અલગ નંબર પરથી OTPના અઢળક મેસેજ આવ્યા હતા.
યુવતીના નામથી ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી તેનો ફોટો ડીપીમાં મૂકી અજાણ્યા શખસે યુવતીના ફોટા સ્ટોરીમાં મૂકીને અશ્લીલ લખાણ પણ લખ્યા હતાં. એટલું જ નહીં અજાણ્યા શખસે પૈસા અને આઇફોનની પણ માંગણી કરી હતી, જે અંગે યુવતીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ડિલિવરી બોયે યુવતીના ઘરે જઈ ખરાબ વર્તન કર્યું ગત 23 મેના રોજ યુવતીએ રેપિડો એપ્લિકેશન મારફતે પાર્સલ મોકલ્યું હતું અને ભાડાના રૂ.77 ગુગલ પેથી ચૂકવ્યા હતા. ડિલિવરી બોયે ડિલિવરી કર્યા બાદ યુવતી પાસે પૈસા માંગ્યા, ત્યારે યુવતીએ ગુગલ પેનો સ્ક્રીન શોર્ટ ડિલિવરી બોયને મોકલ્યો હતો, છતાં ડિલિવરી બોયે પૈસા ન મળ્યા હોવાનું કહીને યુવતીના ઘરે પહોંચી ગયો હતો. ડિલિવરી બોયના ખરાબ વર્તન બદલ યુવતીએ રેપિડોમાં ફરિયાદ કરી હતી.
સાયબર બુલિંગ અને ફેક આઈડી બનાવી ધમકી આપી 23 મેના ઝગડા બાદ 26 મેના રોજ યુવતીના ફોન પર અલગ-અલગ નંબરથી રેપિડો અને અન્ય કંપનીના OTP આવવા લાગ્યા હતા. યુવતી જે કંપનીમાં કામ કરતી તે કંપનીમાં બિઝનેસ માટેના ફોર્મ ભર્યા હતાં, જેમાં પર્સનલ ડિટેઇલમાં અશ્લીલ શબ્દો લખ્યા હતા.
એટલું જ નહીં યુવતીને તેના ભળતાં નામથી ઇમેલ આવ્યો હતો, જેમાં પણ અશ્લીલ મેસેજ કર્યા હતા. થોડા દિવસ બાદ યુવતીના નામથી ફેક આઇડી બન્યું, જેમાં તેણીના ફોટાનો ઉપયોગ કરી ડીપી મૂકવામાં આવ્યો હતો. યુવતીના ફોટાથી સ્ટોરી મૂકી અશ્લીલ લખાણ પણ લખ્યું હતું.

