બાવળા તાલુકાના રામનગર નજીક આવેલી GRIL નામની ખાનગી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી આકાશમાં છવાયેલા જોવા મળ્યા હતા.
આગની જાણ થતાં જ બાવળા, ધોળકા અને આસપાસની ખાનગી કંપનીઓના ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે પાણીનો મારો ચલાવી કામગીરી શરૂ કરવામાં આવી હતી.
આગ લાગી તે સ્થળ નજીક ગેસ સિલિન્ડરોનો મોટો જથ્થો હતો. જોખમ વધતાં કંપનીના કર્મચારીઓએ આ સિલિન્ડરોને તાત્કાલિક સલામત સ્થળે ખસેડ્યા હતા. સમયસર આ સિલિન્ડરો હટાવવામાં ન આવ્યા હોત તો મોટો વિસ્ફોટ થવાની સંભાવના હતી.

સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. જોકે, આગના કારણે કંપનીના માલસામાન અને પ્લાન્ટને ભારે આર્થિક નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ફાયર વિભાગ દ્વારા આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે.

