ઉદ્યોગપતિ અને રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ પરિમલભાઈ નથવાણીએ ઉમેદવારી નોંધાવી. ભાજપે અપક્ષ ઉમેદવાર પરિમલભાઈ નથવાણીને ટેકો આપ્યો છે. આથી, ભાજપના ધારાસભ્યોના સમર્થનથી પરિમલભાઈ નથવાણીએ નામાંકન કર્યું. પરિમલભાઈ નથવાણીને ભાજપ અને એનડીએના અનેક અગ્રણી ધારાસભ્યોનો ટેકો મળ્યો, જેમાં બાબુલાલ મરાંડી, ચંપાઈ સોરેન, સરયુ રાય અને અન્ય વરિષ્ઠ નેતાઓનો સમાવેશ થાય છે.
ભૂતપૂર્વ સાંસદ પરિમલભાઈ નથવાણીએ નામાંકન સમયેના ફોટા શેર કરી સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ પણ કરી. તેમણે એક્સ (અગાઉ ટ્વિટર) એકાઉન્ટ પર લખ્યું કે, ‘ઝારખંડથી રાજ્યસભા સભ્ય તરીકે મારા ચોથા કાર્યકાળ માટે અપક્ષ ઉમેદવારી નોંધાવી. મારા માટે આ ખૂબ જ ભાવનાત્મક ક્ષણ છે કારણ કે મેં વર્ષ ૨૦૦૮ માં ઝારખંડથી રાજ્યસભા સભ્ય તરીકે મારી સફર શરૂ કરી હતી અને અહીંથી બે ટર્મ સાંસદ તરીકે સેવા આપી છે.
ઝારખંડ મારી કર્મભૂમિ રહી છે અને ફરી એકવાર ઝારખંડના લોકોની સેવા કરવાની તક મળી તે બદલ હું ખૂબ જ ભાગ્યશાળી માનું છું. હું માનનીય શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, માનનીય યુએચએમ શ્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નબીન, ભાજપના વિવિધ હિસ્સેદારો અને ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએનો તેમના સમર્થન બદલ આભાર માનું છું. ઝારખંડના લોકોના વિકાસ માટે અન્ય પક્ષોનો પણ ટેકો માંગું છું. મારી કર્મભૂમિની ફરીથી સેવા કરવી મારા માટે એક લહાવો હશે. જાેહર ઝારખંડ!!‘

