નવસારીમાંથી પસાર થતા નેશનલ હાઈવે-48 પર મુંબઈથી અમદાવાદ જઈ રહેલી એક BMW કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ કારમાં બે મહિલા અને બે બાળકો સવાર હતા. જોકે, કાર ચલાવી રહેલી મહિલાની સમયસૂચકતાને કારણે તમામ સવારો સમયસર બહાર નીકળી ગયા હતા, જેથી મોટી દુર્ઘટના ટળી હતી અને ચારેયનો આબાદ બચાવ થયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, મહારાષ્ટ્ર પાસિંગની BMW કાર (નંબર: MH Z EZ 6570) મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહી હતી. નેશનલ હાઈવે-48 પર દુવાડા અને સૂથવાડ ગામ વચ્ચે પહોંચતા કારમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે સ્પાર્ક થયો હતો. જોતજોતામાં બોનેટમાંથી ધુમાડા નીકળવા લાગ્યા અને આગ ભભૂકી ઉઠી.

કાર ચલાવી રહેલા એકતાબેન મહેતાને આગની ગંધ અને ધુમાડો જણાતા તેમણે તુરંત જ સમયસૂચકતા વાપરી કારને હાઈવેની સાઈડમાં રોકી દીધી હતી. કાર ઉભી રાખીને તેમાં સવાર અન્ય એક મહિલા અને બે બાળકો સહિત ચારેય લોકો તાત્કાલિક સુરક્ષિત બહાર નીકળી ગયા. આના કારણે મોટી જાનહાનિ ટળી હતી.
ઘટનાની જાણ હાઈવે ઓથોરિટી દ્વારા ગણદેવી ફાયર વિભાગને કરવામાં આવી હતી. માહિતી મળતા જ ગણદેવી ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ આગને કારણે કારને ભારે નુકસાન થયું હતું.

