મોરબીમાં ૧૫મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે દેશભક્તિનો માહોલ છવાયો છે. આ ઉજવણીના ભાગરૂપે મોરબીના જોધપર નજીક આવેલા મચ્છુ-૨ ડેમને વિશેષ રોશનીથી શણગારવામાં આવ્યો છે. મોરબી વહીવટી તંત્ર દ્વારા ડેમના દરવાજાઓ પર આકર્ષક લાઈટિંગની વ્યવસ્થા કરાઈ છે, જેના કારણે રાત્રિના સમયે ડેમનો નજારો મનમોહક બન્યો છે.
મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને યાદગાર બનાવવા માટે સરકારી કચેરીઓ સહિત વિવિધ સ્થળોએ રોશનીનો શણગાર કરાયો છે. આ અંતર્ગત મચ્છુ-૨ ડેમના વિશાળ દરવાજાઓ પર પણ રંગબેરંગી લાઈટો ગોઠવવામાં આવી છે.
રાત્રિના સમયે લાઈટોથી ઝળહળતા ડેમના દરવાજાઓનું આ દૃશ્ય સ્થાનિકો અને મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.મચ્છુ-૨ ડેમ મોરબીની આગવી ઓળખ સમાન છે. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે કરાયેલા આ રોશનીના શણગારથી ડેમની સુંદરતામાં વધારો થયો છે. ડેમના દરવાજાઓ પરની લાઈટિંગને કારણે સમગ્ર ડેમ દેશભક્તિના રંગમાં રંગાયેલો હોય તેવો માહોલ સર્જાયો છે.

