સુરત ગ્રામ્ય જિલ્લાના પલસાણા પોલીસ અને એલ.સી.બી. ટીમે સંયુક્ત કાર્યવાહી કરીને પલસાણા વિસ્તારમાં થયેલી ચાર ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે બે મહિલા સહિત પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી કુલ રૂ. 4,34,300 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
તાજેતરમાં પલસાણા પોલીસ સ્ટેશન હદમાં આવેલા મકાનોમાં બારી-દરવાજાની ગ્રીલ તોડીને કિંમતી સામાનની ચોરીના બનાવો બન્યા હતા. આ ઘટનાઓની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી.
એલ.સી.બી., પેરોલ ફ્લો સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની અલગ-અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને સીસીટીવી ફૂટેજ અને અન્ય માહિતીના આધારે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી.

મળેલી બાતમીના આધારે, બલેશ્વરના બિલાલનગર વિસ્તારમાં ખાનભાઈની ચાલમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં કિશોરભાઈ રતિલાલ ઉર્ફે રતુભાઈ દેવીપૂજક, હરેશભાઈ ગોપાળભાઈ દેવીપૂજક, કાજલબેન હરેશભાઈ દેવીપૂજક, ફિરોઝ સાદીક અંસારી અને ભુરીબેન રતિલાલ દેવીપૂજકનો સમાવેશ થાય છે. જ્યારે પ્રિન્સ ઉર્ફે રામદાસ રતિલાલ દેવીપૂજક હાલ વોન્ટેડ છે.
આરોપીઓના રહેઠાણમાંથી ટીવી, સ્પીકર, પ્રોજેક્ટર, મોબાઇલ ફોન, પંખા, ગાદલા, સાડીઓ, રસોડાના વાસણો, એમ્પ્લીફાયર સહિતનો ચોરીનો સામાન મળી આવ્યો હતો. આ ઉપરાંત, ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી એક ઓટો રિક્ષા પણ જપ્ત કરવામાં આવી હતી. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

