Gujarat

ગાંધીનગર સિવિલમાં 2 બાળકોના ચાંદીપુરા વાયરસના પોઝિટિવ રિપોર્ટ

ગુજરાતમાં ચોમાસાના પ્રારંભની સાથે જ એક અત્યંત ડરામણા વાયરસની એન્ટ્રી થતાં આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે. ગાંધીનગરની સિવિલ હોસ્પિટલના ખાસ બાળકોના વોર્ડ (PICU) માં શંકાસ્પદ લક્ષણો સાથે સારવાર મેળવી રહેલા ખેડા -સાબરકાંઠાના બે માસૂમ બાળકોના લેબોરેટરી રિપોર્ટ પોઝિટિવ આવતા ચાંદીપુરા વાયરસની સત્તાવાર પુષ્ટિ થઈ છે.

આ કેસ સામે આવતાની સાથે જ રાજ્ય આરોગ્ય વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. મહત્વનું છે કે, રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કારણે અત્યાર સુધીમાં ત્રણબાળકોના મોત થઈ ચૂક્યા છે.

ખેડા અને સાબરકાંઠાના 1-1 બાળકોના રિપોર્ટ પોઝિટિવ આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના એક ગામના 1 વર્ષના બાળકને અને સાબરકાંઠા ના કઠલાલ તાલુકાના અન્ય એક ગામના 4 વર્ષના બાળકને અચાનક તેજ તાવ આવ્યો હતો. તાવની સાથે જ બંને બાળકોના શરીરમાં આંચકી આવવા લાગતા અને સ્થિતિ વધુ ગંભીર જણાતા તેમને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જેના પગલે તબીબોએ સાવચેતીના ભાગરૂપે લોહીના સેમ્પલ લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા. જે રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતામાં મોટો વધારો થયો છે. હાલમાં સિવિલના નિષ્ણાત ડોક્ટરોની ટીમ આ બંને માસૂમો પર ખાસ નજર રાખી સઘન સારવાર આપી રહી છે.