Gujarat

ગાંધીનગરમાં જન ભાગીદારીથી સામૂહિક વૃક્ષારોપણ યોજાશે, મનપા 6.80 લાખ અને સહાય ફાઉન્ડેશન 25 હજાર વૃક્ષો વાવશે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર લોકસભા ક્ષેત્રને હરિયાળી લોકસભા બનાવવાના સંકલ્પ સાથે આવતીકાલે 12મી જુલાઈ રવિવારના રોજ પાટનગરમાં એક સામૂહિક વૃક્ષારોપણ મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતગર્ત મહાનગર પાલિકા 6.80 લાખ અને સહાય ફાઉન્ડેશન ધ્વારા 25 હજાર વૃક્ષો વાવવામાં આવશે.

50 સ્થળોએ 6.80 લાખ જેટલા રોપાઓનું વાવેતર કરાશે સમગ્ર લોકસભા વિસ્તારમાં એક કરોડથી વધુ વૃક્ષો વાવવાના આ મહાયજ્ઞમાં ગાંધીનગર મહાનગરપાલિકા, ભાજપા સંગઠન અને વિવિધ સેવાભાવી સંસ્થાઓ પૂર્ણ સમર્પણ સાથે જોડાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એક પેડ માઁ કે નામ આહ્વાનને સાંકળીને યોજાનારા આ અભિયાન થકી ગાંધીનગરને ફરીથી આંબાવાડિયા તેમજ દેશના સૌથી લીલાછમ અને આદર્શ શહેર તરીકે વિકસાવવા માટેનો એક્શન પ્લાન તૈયાર કરાયો છે.

આ પર્યાવરણીય મહાઅભિયાન અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના 50 જેટલા નિર્ધારિત સ્થળોએ અંદાજિત 5,36,000 ચોરસ મીટર વિસ્તારમાં 6.80 લાખ જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવશે.

વાવેતરથી ઓક્સિજન પાર્ક, બાયોડાયવર્સિટી પાર્ક સહિતનું નિર્માણ થશે આ મહાયજ્ઞમાં મુખ્યત્વે આંબો, બોરસલ્લી, વડ, પીપળ, ગોરસ આંબલી, જાંબુ, ચીકુ અને આમળાં જેવી સ્થાનિક પ્રજાતિઓનો સમાવેશ થાય છે. આ સઘન વાવેતર થકી શહેરમાં વિવિધ પ્રકારના આમ્રવન, પોષણ અને ઔષધિ વન, ઓક્સિજન પાર્ક તેમજ બાયોડાયવર્સિટી પાર્કનું નિર્માણ થશે. આ ઉપરાંત મહાનગરપાલિકા હસ્તકના 117 બગીચાઓ, 66 શાળાઓ, 111 આંગણવાડીઓ અને 124 તળાવોના વિસ્તારોને પણ આ સઘન ઝુંબેશ હેઠળ આવરી લેવામાં આવ્યા છે.