રાજકોટના ઘંટેશ્વર વિસ્તારમાં ડ્રેનેજની કુંડી ઊંચી હોવાને કારણે સર્જાયેલા અકસ્માતમાં મિતાલીબેન કેસરિયાનું હેમરેજને કારણે અઢી માસની સારવાર બાદ મોત થતા રઘુવંશી સમાજ મેદાને આવ્યું છે. શહેરના ત્રિકોણબાગથી મહાનગરપાલિકા કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી. આ દરમિયાન મૃતક પરણીતાની માતા ચોધાર આંસુ સાથે રડી પડી હતી અને ન્યાયની માંગણી કરી હતી. માસુમ બાળકના પ્રથમ જન્મદિવસ પૂર્વે જ માતાના મૃત્યુથી તેને ભારે વલોપાત ઠાલવ્યો હતો. જે બાદ પરણીતાના મૃત્યુથી માતાની મમતા ગુમાવતા વહાલસોયા બાળકના હસ્તે મહાનગરપાલિકાના નાયબ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી.
મૃતકના માતા અંજનાબેને જણાવ્યું હતું કે, મિતાલી મારી દીકરી છે. સરકાર આવી લાપરવાહી બીજા કોઈની દીકરી સાથે ન કરે અને મારી દીકરીને ન્યાય મળે તે માંગણી છે. જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી થવી જોઈએ. સાતમ-આઠમ હતી ત્યારે રાત્રે બાળક સુઈ ગયું હતું એટલે મારી દીકરી અને જમાઈ બહાર જમવા જતા હતા. જે દરમિયાન કાળમુખી કુંડી વચ્ચે આવી ગઈ.
જેને કારણે અકસ્માત થતાં દીકરીને માથામાં ગંભીર ઈજા પહોંચી. જે જગ્યાએ મોટી કુંડી હતી ત્યાં કોઈ બેનર કે ડાયવર્ઝનનું બોર્ડ મારેલું ન હતું. મારા પૌત્ર માટે મારે ન્યાય જોઈએ. મારી દીકરી સાથે આ થઈ ગયું છે.
અમારા જમાઈ નાના છે ત્યારે બાળકનું ભવિષ્ય મારે સિક્યોર જોઈએ. ગઈકાલે બાળકનો પ્રથમ બર્થડે હતો ત્યારે તે પોતાની માને યાદ કરતો હતો. અંતમાં તેમણે જણાવ્યું કે મહાનગર પલિકા દ્વારા પૂરો ટેક્સ વસૂલવામાં આવે છે પરંતુ સુવિધા આપવામાં આવતી નથી. તંત્ર નિંભર છે. સુધારતું નથી. સિવિલ હોસ્પિટલમાં મારી દીકરી અઢી મહિના સુધી દાખલ હતી પરંતુ મહાનગરપાલિકાના તંત્રમાંથી એક પણ અધિકારી ત્યાં આવ્યા ન હતા.

