Gujarat

ઉધનામાં CID ક્રાઇમના દરોડા, 12 લાખથી વધુના માલ સાથે 3 વેપારીની ધરપકડ

સુરત શહેરમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી વસ્તુઓ પધરાવી દેવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં વિશ્વવિખ્યાત ‘પુમા’ કંપનીના ડુપ્લિકેટ બૂટ અને ચંપલનો મસમોટો જથ્થો ઝડપાયો છે. પુમા કંપનીના નામ અને લોગોનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરી ડુપ્લિકેટ શૂઝ અને સ્લીપરનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાની બાતમી અને ફરિયાદના આધારે CID ક્રાઇમ સુરત ઝોનની ટીમે સપાટો બોલાવ્યો છે.

પોલીસે ઉધનામાં એક કોમ્પ્લેક્ષમાં દરોડા પાડીને ત્રણ વેપારીઓને ઝડપી લીધા છે અને તેમની પાસેથી કુલ રૂ. 12.72 લાખની કિંમતનો કૉપીરાઇટ ભંગ કરાયેલો ડુપ્લિકેટ માલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કંપનીના અધિકૃત પ્રતિનિધિની ફરિયાદથી CID એક્શનમાં રાજસ્થાનના અજમેરમાં રહેતા અને પુમા કંપની વતી કામ કરતા કંપનીના અધિકૃત પ્રતિનિધિ પવન પ્રધ્યુમન પલાસરે આ અંગે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે CID ક્રાઇમની ટીમે ગત 16 સપ્ટેમ્બરે ઉધનાના હરીનગર-1 વિસ્તારમાં આવેલા અરિહંત કોમ્પ્લેક્ષમાં અચાનક દરોડો પાડ્યો હતો.

આ સઘન તપાસ દરમિયાન કોમ્પ્લેક્ષમાં ધમધમતી શિવ ફૂટવેર, પ્રેમ ટ્રેડિંગ ફૂટવેર અને સાગર ફૂટવેર નામની ત્રણ અલગ-અલગ દુકાનોમાંથી પુમા કંપનીની બનાવટી પ્રોડક્ટ્સ મોટા પ્રમાણમાં મળી આવી હતી, જેના પગલે પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

દરોડામાં લાખોનો મુદ્દામાલ સીઝ, ત્રણ આરોપી ઝડપાયા CID ક્રાઇમે દરોડાની આ કાર્યવાહી દરમિયાન ત્રણ મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. જેમાં ધીરજનગર-1, ગોડાદરા નહેર રોડ ખાતે રહેતા ગજાનંદ હરીશચંદ્ર માંડવ (ઉં.વ. 42), બમરોલી ડી-માર્ટ પાસે રહેતા પ્રશાંત રાજેન્દ્રકુમાર અગ્રવાલ (ઉં.વ. 30) અને ઉધનાના હરીનગર-1માં રહેતા સાવલારામ રાવતારામ ચૌધરી (ઉં.વ. 48)નો સમાવેશ થાય છે.

આ ત્રણેય આરોપીઓ દુકાનમાં ગ્રાહકોને અસલીના નામે પુમા કંપનીના નામ અને આબેહૂબ લોગોવાળા ડુપ્લિકેટ બૂટ, ચંપલ તથા સ્લીપર પધરાવતા હતા. પોલીસે ઘટનાસ્થળેથી ડુપ્લિકેટ ફૂટવેરનો આખો જથ્થો જપ્ત કરી લીધો છે.