Gujarat

“ગિરનારની પરિક્રમાનું વાતાવરણ સ્વર્ગ જેવું”

​જૂનાગઢ ખાતે યોજાઈ રહેલી ગિરનારની ઐતિહાસિક લીલી પરિક્રમાનો આજે ત્રીજો દિવસ છે ત્યારે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રકૃતિ અને પરમેશ્વરના આ અનોખા સમન્વયમાં ભક્તિરસથી તરબોળ બન્યા છે. ૩૬ કિલોમીટરની આ કપરી છતાં આનંદદાયી પરિક્રમા પૂર્ણ કરીને પરત ભવનાથ તળેટી ખાતે પહોંચેલા અનેક ભાવિકોના ચહેરા પર અનેરો ઉત્સાહ અને સંતોષ જોવા મળ્યો હતો.

પરિક્રમાર્થીઓએ એકસૂરે જણાવ્યું હતું કે જીવનમાં એકવાર તો ગિરનારની આ પાવન પરિક્રમા અચૂક કરવી જોઈએ, કારણ કે અહીંનું વાતાવરણ સાક્ષાત્ સ્વર્ગ જેવું અનુભવાય છે. ભાવિકોએ સમગ્ર રૂટ પર પોલીસ તંત્ર, વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા કરવામાં આવેલી સુચારુ કામગીરીને પણ દિલથી બિરદાવી હતી.

​ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાની દિવ્યતા સાત સમંદર પારથી વિદેશીઓને પણ ભારતની ભૂમિ તરફ ખેંચી લાવે છે, જેનું જીવંત ઉદાહરણ બ્રાઝિલથી આવેલા સાધ્વીજી બન્યા છે. પોતાના અનુભવો વર્ણવતા બ્રાઝિલના સાધ્વીજીએ જણાવ્યું હતું કે તેમને પહેલેથી જ વાંચનનો ખૂબ શોખ રહ્યો છે અને ભગવદ્ ગીતા તેમજ પોતાના ગુરુજીના પુસ્તકોના વાંચન થકી તેમનામાં ભારતીય આધ્યાત્મિકતા પ્રત્યે ઊંડો રસ જાગ્યો હતો.

આ જ આધ્યાત્મિક જોડાણને કારણે તેમણે ભારત આવવાનો નિર્ણય લીધો હતો અને ખાસ કરીને મહાકુંભ મેળામાં સહભાગી થવાની ઈચ્છા સાથે તેઓ ભારત આવ્યા હતા. ભારતમાં આવ્યાને તેમને એક વર્ષ પૂર્ણ થયું છે અને હવે તેઓ ગિરનારની લીલી પરિક્રમામાં જોડાઈને ધન્યતા અનુભવી રહ્યા છે.