Gujarat

કરજણમાં CMના હસ્તે ભૂમિપૂજન: હિટાચી એનર્જી રૂ. 2 કરોડના રોકાણ સાથે પાવર ટ્રાન્સફોર્મર ફેક્ટરી સ્થાપશે

વડોદરા જિલ્લાના કરજણ ખાતે હિટાચી એનર્જી દ્વારા આશરે રૂ.2 કરોડના મહત્વપૂર્ણ રોકાણ સાથે સ્થાપવામાં આવનાર નવા પાવર ટ્રાન્સફોર્મર ફેક્ટરીનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીના પદ પર સૌથી લાંબા અને સફળ કાર્યકાળ બદલ નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં ભારત આજે વિશ્વની સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બન્યું છે.

ગુજરાત દેશનું ‘એનર્જી કેપિટલ’ બનશે: મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરજણ ખાતે નવા લાર્જ પાવર ટ્રાન્સફોર્મર પ્લાન્ટની સ્થાપના માટે કંપનીને અભિનંદન પાઠવતા વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનને વધુ મજબૂત બનાવશે અને દેશના ઊર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતામાં વધારો કરશે.

મુખ્યમંત્રીએ આ અવસરે હર્ષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ નવા પ્લાન્ટ દ્વારા રોજગારીની નવી તકો ઊભી થશે અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન મળશે. આ ઉપરાંત, આ પ્રોજેક્ટના કારણે આસપાસના વિસ્તારના એમ. એસ. એમ. ઈ. એકમો માટે પણ વિકાસના નવા દ્વાર ખુલશે.

હિટાચી અને ગુજરાત વચ્ચે 60 વર્ષ જૂનો સંબંધ વધુમાં કહ્યું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં શરૂ થયેલ ‘વાઇબ્રન્ટ ગુજરાત સમિટ’ના પરિણામે ગુજરાત આજે વિશ્વભરના ઉદ્યોગકારો માટે રોકાણનું મનપસંદ સ્થળ બન્યું છે. હિટાચી અને ગુજરાત વચ્ચેનો સંબંધ 60 વર્ષ જૂનો હોવાનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે, જાપાનીઝ કંપનીઓનો ગુજરાત સાથેનો વિશ્વાસ સતત વધતો રહ્યો છે. ગુજરાતના મજબૂત ઔદ્યોગિક વાતાવરણ, પારદર્શક નીતિઓ અને શ્રેષ્ઠ કાયદો-વ્યવસ્થાને કારણે આજે ફોર્ચ્યુન-500માં સમાવિષ્ટ વિશ્વની મોટી કંપનીઓ માટે ગુજરાત ‘સેકન્ડ હોમ’ બન્યું છે.